સુરત: કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશની ટિકિટ કાપીને ભારતીય જનતા પાર્ટીએ 43 વર્ષથી ભાજપના કાર્યકર્તા રહી ચૂકેલા મુકેશ દલાલને ઉમેદવાર બનાવ્યા છે. મુકેશ દલાલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના 5 વખત ચેરમેન રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ સુરત શહેરના સિટી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત છે.
રાજનીતિક પરિચય: મુકેશ દલાલ મૂળ સુરતી મોઢવડિક સમાજના છે. સૌથી અગત્યની વાત ડબલ ગ્રેજ્યુએટ અને ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે. છેલ્લા 43 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે ફરજ નિભાવી રહ્યા છે. જૂન 1981થી ભાજપમાં છે. ત્યારબાદ તેઓ યુવા મોરચામાં પ્રદેશમાં મહત્વના પદો પર રહ્યા. શહેર કારોબારી સભ્ય તરીકે, વોર્ડમાં વિવિધ હોદ્દાઓ પર રહ્યા. પાલ વિસ્તારથી તેઓ સતત ત્રણ ટર્મથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. પાંચ ટર્મ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. સાડા ત્રણ વર્ષથી તેઓ સુરત મહાનગરપાલિકાના મહામંત્રી તરીકે નિયુક્ત છે.
શૈક્ષણિક લાયકાત: જો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેઓ બીકોમ, ડબલ એમબીએ (ફાઇનાન્સ અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ), ટેક્સેશનમાં એલએલબી કરી ચૂક્યા છે એટલું જ નહીં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં, સુરત ક્રિકેટ એસોસિએશનમાં એક્ઝિક્યુટિવ મેમ્બર છે. સુરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં એક્ઝિક્યુટિવ મેમ્બર છે. ચેમ્બર ઓફ કોમર્સના મેનેજિંગ કમિટીમાં પણ તેઓ સભ્ય છે. પૂર્વ સુરત પીપલ્સ બેંક ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.
સુરતમાં કોંગ્રેસ ડિપોઝિટ ગુમાવશે: ઉમેદવાર બન્યા પછી મુકેશ પટેલે જણાવ્યું હતું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું આભાર માનું છું. હું જે પણ કાર્ય દર્શનાબેન જરદોશે કર્યું છે તેને અવિરત રીતે આગળ વધાવીશ. મારા ઉપર વિશ્વાસ બતાવવા માટે હું આભારી છું. કોંગ્રેસ ક્યાંક પણ નથી ડિપોઝિટ બચાવી શકે તેવી સ્થિતિ પણ નથી. ભાજપે સામાન્ય કાર્યકર્તાને તક આપી છે. હું પહેલાથી જ કોંગ્રેસ ના મુદ્દાઓ વિરોધમાં રહ્યો આ માટે ભાજપમાં જોડાયો હતો.