પાટણ: કોંગ્રેસે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ ન લીધો તેવો ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલમાં પાટણ જિલ્લા કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ ગેમરભાઇ દેસાઇના પદગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, રામ નામ મોક્ષ માટે હોય તેને રસ્તા ઉપર લાવી મતો માટે ઉપયોગ ન કરી શકાય. ચાર વેદોની જવાબદારી ચાર શંકરાચાર્યોને સોંપવામાં આવી છે. શંકરાચાર્યે મંદિર એ ભગવાનનું શરીર છે. અડધા શરીરની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય તેમ જણાવ્યું છતાં લોકસભાની ચૂંટણી જીતવા પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખવામાં આવી. કળશ નથી લાગ્યુ શંકરાચાર્યની વાતને ઠુકરાવે તે રામભકત કહેવાય કે ઠગ ભકત .. !તેવો વેધક પ્રશ્ન કર્યો હતો.
લોકશાહીમાં જનતા મોટી છે, વ્યકિત નહીં. કોંગ્રેસની વિચારધારા જીવો ઔર જીને દોની છે. જયારે ભાજપની જીવો અને મરવા દોની છે. ખેડૂતોની આવકના બદલે ખર્ચા વધી ગયા છે. કાળુ ધન પાછુ લાવી ૧૫ લાખ ખાતામાં નાખવાની ગેરંટી આપી હતી. જે જુની ગેરંટી હજુ પુરી થઇ નથી અને નવી ગેરંટીઓ આપવામાં આવે છે. ખરાબ સમયમાં પણ પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ચાર ધારાસભ્યો હાલ ચૂંટાયેલા છે. કયાંય ન બને તેવું પટોળુ પાટણમાં બને છે . ત્યારે પાટણ બેઠકના બુદ્ધિશાળી મતદારો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. - શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ
પાટણના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે , રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના કાર્યકરોને પણ જવાબદારી સોંપવામાં આવશે. લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફુંકાઇ ગયુ છે. જે જીતવા યુવામિત્રોની ટીમ બનાવવા હાકલ કરી સંગઠનને વધુ મજબુત કરવા જણાવ્યુ હતું.