મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શનિવારના રોજ આખો દિવસ શેરબજારમાં ટ્રેડિંગ થશે. જે અંતર્ગત શેરબજાર સવારે 9:15 કલાકે ખુલશે અને બપોરે 3:30 વાગ્યા સુધી ટ્રેડિંગ ચાલુ રહેશે. જ્યારે 22 જાન્યુઆરી, સોમવારના રોજ બજાર બંધ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) પણ જાહેર કર્યું છે કે, 22 જાન્યુઆરીના રોજ મની માર્કેટ બંધ રહેશે.
ભારતીય શેરબજાર : આજે 20 જાન્યુઆરી, શનિવારના રોજ BSE Sensex ગતરોજના 71,683 ના બંધ સામે 325 પોઈન્ટના વધારા સાથે 72,008 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 21,622 ના બંધની સામે 84 પોઇન્ટનો સુધારો નોંધાવી 21,706 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શરૂઆતી કારોબારમાં જ BSE Sensex અને NSE Nifty મજબૂત ટ્રેન્ડ કરી રહ્યા છે.
સોમવારે બજાર બંધ : અત્રે નોંધનીય છે કે, આજે શનિવારના રોજ શેરબજારમાં સામાન્ય કારોબાર થશે. આજે સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી માર્કેટમાં લાઈવ ટ્રેડિંગ થશે. તેથી મિડકેપ નિફ્ટી અને બેન્કેક્સની એક્સપાયરી આજે થશે. જોકે, શુક્રવારના સોદા હવે મંગળવારે સેટલ કરવામાં આવશે. કારણ કે, સોમવારના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કારણે ભારતીય શેરબજારમાં રજા રહેશે. ઉપરાંત સોમવારે ફોરેક્સ અને કરન્સી માર્કેટ પણ આખો દિવસ બંધ રહેશે. જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (MCX) સાંજે 5 વાગ્યાથી ખુલશે.
શા માટે શનિવારે ટ્રેડિંગ શુરુ ? NSE ના જણાવ્યા અનુસાર આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા ડે સ્વિચ ઓવર માટે રાખવામાં આવ્યું છે. આ ખાસ સેશનથી ડિઝાસ્ટર રિકવરી સાઈટનું (DRC) ટ્રાયલ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદેશ્ય કોઈપણ પ્રતિકૂળ સંજોગોમાં અડચણ વગર ટ્રેડિંગ ચાલુ રાખવાનો છે. ઉપરાંત માર્કેટ અને રોકાણકારો વચ્ચે સ્થિરતા યથાવત રાખવાનો હેતુ છે.