ઉત્તર પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પશ્ચિમ ઉત્તર પ્રદેશની ધરતી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2014 લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ બુલંદશહરમાં પોતાની પહેલી રેલી કરી હતી, તેવી જ રીતે PM મોદી 2024 માં લોકસભાની ચૂંટણી પહેલા બુલંદશહરમાં એક મોટી રેલી કરવા જઈ રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ બુલંદશહરમાં આયોજીત આ મોટી રેલી અનેક માટે સંકેત આપી રહી છે. ભાજપના જણાવ્યા અનુસાર પીએમ મોદીને સાંભળવા માટે આ રેલીમાં 5 લાખથી વધુ લોકોની ભીડ આવશે.
બુલંદશહરમાં PM મોદીનો કાર્યક્રમ :
- પ્રધાનમંત્રીનું હેલિકોપ્ટર બપોરે 1:30 વાગ્યે જનસભાના સ્થળે ઉતરશે
- 1:45 વાગ્યે વડાપ્રધાન મોદીનું સ્વાગત થશે.
- વડાપ્રધાન મોદી 1:50 વાગ્યે મંચ પર પહોંચશે અને જાહેર સભાને સંબોધિત કરશે
- બપોરે 2.55 કલાકે પીએમ મોદી હેલિપેડથી દિલ્હી જવા રવાના થશે
બુલંદશહર જાહેરસભાની તૈયારી : બુલંદશહરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બપોરે જાહેરસભા સંબોધશે. વડાપ્રધાનની જાહેરસભા માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી. પ્રશાસને વડાપ્રધાનની જાહેર સભા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને લઈને સભાસ્થળે સ્ટેજ અને પંડાલ સહિતની અન્ય વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. પંડાલમાં લોકોના બેસવા માટે 26 બ્લોક બનાવવામાં આવ્યા છે. VVIP, મીડિયા અને જાહેર જનતાના પ્રવેશ માટે જાહેર સભા સ્થળે અલગ-અલગ ગેલેરી બનાવવામાં આવી છે.
લોકસભા ચૂંટણી અભિયાનનો શંખનાદ : 2024 લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ ઉત્તરપ્રદેશની જનતાને ધ્યાને રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલંદશહર પહોંચી રહ્યા છે. અહીં વિશાળ જાહેર સભાને સંબોધિત કરવાની સાથે સાથે વડાપ્રધાન મથુરાથી શામલી સુધી રૂ. 20 હજાર કરોડથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. જેમાં ત્રણ મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને આઠ મોટા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરાશે.
જનસભા આયોજનની સમીક્ષા : ભાજપના પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી બુધવારે જાહેર સભા સ્થળ પર પહોંચી જાહેર સભાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ વ્યવસ્થા પ્રમુખ સાથે બેઠક યોજી તંત્રને જરુરી સૂચના આપી હતી. પ્રદેશ પ્રમુખે કહ્યું કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ જાહેર સભા મળવી એ અમારા માટે ગર્વની વાત છે. જે અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે તેને વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે નિભાવવી જોઈએ.