નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મંગળવારે આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. IMDના સવારના બુલેટિન મુજબ 3થી 5 એપ્રિલ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ વાવાઝોડાં અને વીજળી પડવાની શક્યતા છે.
આગામી 7 દિવસની આગાહીઃ આગામી 7 દિવસોમાં છત્તીસગઢ, તેલંગાણા, મરાઠાવાડા, વિદર્ભ, કોંકણ, અને ગોવામાં 5થી 8 એપ્રિલની વચ્ચે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર-પૂર્વમાં અરુણાચલ પ્રદેશમાં 2થી 5 એપ્રિલની વચ્ચે ભારે વરસાદ અને 6થી 8 એપ્રિલની વચ્ચે વધુ ભારે વરસાદ જોવા મળશે. જ્યારે આસામ અને મિઝોરમમાં પણ 4થી 7 એપ્રિલની વચ્ચે અતિ ભારે વરસાદ જોવા મળશે. ઝારખંડ, ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળ, કર્ણાટકના દરિયાકાંઠાના-ઉત્તર-દક્ષિણ વિસ્તારોમાં પણ 5થી 8 એપ્રિલની વચ્ચે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
સાયકલોનિક સર્કયુલેશન રચાયુંઃ IMD એ કહ્યું છે કે, એક સાયકલોનિક સર્કયુલેશન ઉત્તર પૂર્વ આસામ પર અને બીજું ઉત્તર પૂર્વ બિહારમાં નીચલા ઉષ્ણ કટિબંધીય સ્તરોમાં છે. બંગાળની ખાડીથી ઉત્તર પૂર્વના રાજ્યોમાં નીચલા ઉષ્ણ કટિબંધીય સ્તરોમાં ભેજનું પ્રમાણ વધુ છે. આગામી 7 દિવસો દરમિયાન ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા હળવા અને મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં આવતીકાલ સુધી છુટા છવાયા વાવાઝોડાં અને વીજળીના ચમકારા થઈ શકે છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, વિદર્ભ, પશ્ચિમ બંગાળના ભાગોમાં આગામી 7 દિવસમાં ગરમીની સ્થિતિની પણ આગાહી કરી છે.
હીટવેવની એડવાઈઝરીઃ હવામાન વિભાગે અગાઉ લોકસભા ચૂંટણી 2024 પહેલા હીટવેવ એડવાઈઝરી જારી કરી હતી કારણ કે એવી આગાહી કરવામાં આવી છે કે આ ઉનાળો વધુ ગરમ થવાની સંભાવના છે.