ઝારખંડ : રાંચી પાસે ઝારખંડની ખૂંટી-ચાઈબાસા બોર્ડર પર સ્થિત જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક નક્સલીના મોતની માહિતી મળી રહી છે. માઓવાદીઓ એકઠા થવાની ગુપ્ત માહિતી પર કોબ્રા કમાન્ડો અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. કોબ્રા કમાન્ડો અને પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન સર્વદા જંગલમાં પોલીસનો માઓવાદીઓ સાથે સામનો થયો હતો.
પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ : ખૂંટીના DSP વરુણ રજકે આ બનાવની પુષ્ટિ કરી અને નકસલવાદી માર્યો ગયો હોવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. ખૂંટીના DSP વરુણ રજકે કહ્યું કે, પાછલા ઘણા સમયથી ગોળીબાર ચાલી રહ્યો છે. ફાયરિંગ બંધ થયા બાદ જ કહી શકાશે કે પોલીસને કેટલી સફળતા મળી છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તાર નક્સલ પ્રભાવિત છે. આ ચાઈબાસા અને ખૂંટી જિલ્લાનો સરહદી વિસ્તાર છે.
છઠ્ઠા તબક્કાનું મતદાન : વાસ્તવમાં ઝારખંડની ચાર લોકસભા બેઠક પર 25 મેના રોજ લોકસભા ચૂંટણી 2024 ના છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેમાં રાંચી, ધનબાદ, ગિરિડીહ અને જમશેદપુરની બેઠકોનો સમાવેશ થાય છે. રાંચી લોકસભા મતવિસ્તારનો વિસ્તાર ખૂંટીને અડીને આવેલો છે. આ લોકસભા મતવિસ્તારમાં સરાયકેલા જિલ્લાની ઇચાગઢ વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. તેથી રાંચીને અડીને આવેલા નક્સલ પ્રભાવિત સરહદી વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
કોમ્બિંગ ઓપરેશન : પોલીસને આશંકા છે કે, નક્સલવાદીઓ લોકસભા ચૂંટણી મતદાનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી વિવિધ સ્થળોએ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ખૂંટી પોલીસને કોચાંગ નજીકના જંગલમાં માઓવાદીઓની હિલચાલની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ અને સુરક્ષા દળોની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન અથડામણ થઈ હતી.