સુપૌલઃ બિહાના સુપૌલમાં બની રહેલો દેશનો સૌથી મોટો બકૌર બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે પુલના ત્રણ પિલરના ગર્ડર પડી ગયા છે. આ ઘટના સવારે સાત વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ ઘટનામાં ઘણા મજૂરો દટાયા હોવાના સમાચાર છે, જેમને બચાવવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ બ્રિજ ભારત માલા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યો છે.
દેશનો સૌથી મોટો બકૌર બ્રિજ ધરાશાયીઃ આ બ્રિજમાં કુલ 171 પિલર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં 150 થી વધુ પિલરોનુ નિર્માણ કરવામાં આવ્યું છે. એપ્રોચ રોડનું કામ કરવાનું બાકી છે. મધુબની અને સુપૌલ વચ્ચે બકૌર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ દેશનો સૌથી લાંબો બ્રિજ છે. તે આસામના ભૂપેન હજારિકા પુલ કરતા પણ એક કિલોમીટર લાંબો છે.
બ્રિજના ત્રણ પિલર તૂટી પડ્યાઃ પિલર નંબર 50, 51 અને 52 સંપૂર્ણપણે તુટી ગયા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. બિહારમાં પુલ તૂટી પડવાની આ ઘટના નવી નથી. આ પહેલા પણ બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. બકૌર બ્રિજના નિર્માણનો ખર્ચ 1200 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
બ્રિજની લંબાઈ 10.2 કિમીઃ કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આ બ્રિજનું નિર્માણ કરી રહ્યા છે. આ બ્રિજની લંબાઈ અંદાજે 10.2 કિલોમીટર છે. આ મેગા બ્રિજના નિર્માણથી સુપૌલ અને મધુબની વચ્ચેનું અંતર ઘટીને 30 કિલોમીટર થઈ જશે. આ બ્રિજના અભાવે વરસાદની ઋતુમાં સંદેશાવ્યવહાર બંધ થઈ ગયો હતો.