ચેન્નઈ : આજે 28 જાન્યુઆરીના રોજ તેનકાસી જિલ્લાના પુલિયાનગુડી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સિમેન્ટની થેલીઓ લઈને જતો ટ્રક અને કાર સામસામે અથડાતા 6 લોકોના મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં પુલિયાનગુડી વિસ્તારના 5 લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિનું મોત હોસ્પિટલમાં લઈ જતી વખતે થયું હતું. આ ઘટના અંગે ચોક્કમપટ્ટી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેનકાસી જિલ્લા પોલીસ અધિક્ષક ટી.પી. સુરેશ કુમારે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
જીવલેણ અકસ્માત : મળતી માહિતી અનુસાર તેનકાસી જિલ્લામાં પુલિયાનગુડીના ભગવતી અમ્માન મંદિર વિસ્તારના રહેવાસી કાર્તિક, વેલ મનોજ, સુબ્રમણિ, મનોકરણ અને બોથિરાજ સહિત છ લોકો પુલિયાનગુડી ગયા હતા. અહીં તેઓએ ગઈકાલ 27 જાન્યુઆરીની રાત્રે બાલા સુબ્રમણ્યમ સ્વામી મંદિર ઉત્સવમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ કોટલ્લાલમ ધોધ ગયા હતા.
ટ્રક સાથે ટક્કર : પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, આજે તેઓ કોટલ્લામથી પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હોવાની પ્રથમ માહિતી મળી હતી. તેઓ આજે સવારે 3.30 કલાકે કોટલ્લામથી પુલિયાનગુડી કારમાં પરત ફરી રહ્યા હતા. કહેવાય છે કે પુલિયાનગુડી પાસે પુનૈયાપુરમ અને સિંગલીપટ્ટીની વચ્ચે કાર ચલાવતી વખતે ડ્રાઈવર ઊંઘી ગયો હતો. જેના કારણે કાર એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. કહેવાય છે કે કાર ટ્રક નીચે ફસાઈ ગઈ હતી અને થોડા ફૂટ દૂર પટકાઇ હતી.
6 લોકોના મોત : આ અકસ્માતમાં કારમાં સવાર ડ્રાઈવર સહિત 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક ગંભીર ઘવાયેલ વ્યક્તિને સ્થાનિક લોકોએ બચાવી અને એમ્બ્યુલન્સ દ્વારા પુલિયાનગુડી જીએચ લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું કરુણ મોત થતાં મૃત્યુઆંક 6 થયો હતો. આ ગોઝારા અકસ્માતની માહિતી મળ્યા બાદ ચોકમ્પટ્ટી પોલીસના નાયબ અધિક્ષક સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં કારના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે તિરુનેલવેલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.