Aam Adami Party: વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી મુદ્દે 'આપ' આકરાપાણીએ, ચિફ ઈલેકશન ઓફિસરને આપ્યું આવેદન પત્ર - Visavadar Assembly By Election
Published : Mar 19, 2024, 8:54 PM IST
ગાંધીનગર: આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કરની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ચિફ ઈલેક્શન ઓફિસરને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર ન કરવા પર ચૂંટણી પંચ દ્વારા કોઈપણ પ્રકારનો ખુલાસો પણ હજુ સુધી કરવામાં આવ્યો નથી. ગુજરાત હાઈકોર્ટમાં વિસાવદર બેઠકની વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને ઈલેક્શન પિટિશન પેન્ડિંગ છે. જો આ જ કારણથી વિસાવદરની ચૂંટણી જાહેર કરવામાં ન હોય તો હિમાચલ પ્રદેશમાં છ ધારાસભ્યોની મેટર પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તો શું ભાજપને જ્યાં ફાયદો થતો હોય ત્યાં જ ઈલેક્શન થાય અને જ્યાં નુકસાન થતું હોય ત્યાં ઈલેક્શન ન થાય? વિસાવદરના લોકો વચ્ચે એવી પણ ચર્ચા થઈ રહી છે કે જો ફરીથી ચૂંટણી થશે તો ભાજપ આ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરશે. વિસાવદર વિસ્તારના લોકો ક્યારેય પણ ગદ્દારોને માફ કરતા નથી.
અમારું માનવું છે કે ચૂંટણી પંચે તાત્કાલિક ધોરણે આ બાબતનો ખુલાસો કરવો જોઈએ કે શા માટે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ રહી નથી. જો વિસાવદરની ચૂંટણી નથી થવાની તો ચૂંટણી પંચે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરવી જોઈએ. શું ખાનગીમાં ચૂંટણી પંચે ભાજપના નેતાઓને કોઈ જાણકારી આપી છે?...પ્રણવ ઠક્કર(પ્રદેશ પ્રમુખ, લીગલ સેલ, આમ આદમી પાર્ટી)