સોમનાથ મહાદેવને કરાયો મહારુદ્ર શણગાર દર્શન કરીને શિવભક્તો થયા ધન્ય - JUNAGADH SOMNATH MAHARUDRA SHANGAR
Published : Aug 18, 2024, 7:58 PM IST
જુનાગઢ: આજે શ્રાવણ શુક્લા ચતુર્દશી પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને મહારુદ્ર શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. મહારુદ્ર સ્વરૂપ એ દેવાધિદેવ મહાદેવના સૌથી અદભુત સ્વરૂપ પૈકીનું એક છે, જેના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી. શ્રાવણ શુક્લા ચતુર્દશીના પાવન પર્વે સોમનાથ મહાદેવને મહારુદ્ર શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. મહાદેવનું મહારુદ્ર સ્વરૂપ તેમની પ્રચંડ શક્તિ અને સંહાર ક્ષમતાનુ પ્રતિનિધિત્વ પણ કરે છે. મહારુદ્ર સ્વરૂપમાં ભગવાન મહાદેવ સમગ્ર ત્રિલોકનો સંહાર કરીને નવું સર્જન કરે છે, જેના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી. મહારુદ્ર સ્વરૂપના દર્શન કરવાથી શિવભક્તોમાં ભક્તિનો ભાવ ઉત્પન્ન થાય છે, સાથે સાથે અધર્મના માર્ગ પર ચાલનારા કોઈ પણ વ્યક્તિ તેમની વિનાશક શક્તિથી પણ ભય અનુભવે છે. મહારુદ્ર સ્વરૂપની ઉપાસના શિવ પુરાણ અનુસાર મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ માનવામાં આવે છે, જેની ઉપાસના કરવાથી પ્રત્યેક સાધક મોહ માયાથી મુક્ત થઈને પરમાત્મામાં લીન બની જાય છે.