Tapi News : અમરોલીના ગુમ થયેલા એકાઉન્ટન્ટની લાશ ડોલવણની પૂર્ણા નદીમાંથી મળી આવી
Published : Mar 14, 2024, 6:43 PM IST
તાપી : જિલ્લાના ડોલવણ તાલુકાના બેડચિત ગામેથી પસાર થતી પૂર્ણા નદીમાંથી લાશ મળી હતી.પોલિસ તપાસમાં તે સુરતના અમરોલીથી ગુમ થયેલ એકાઉન્ટન્ટની લાશ હોવાનું બહાર આવ્યું છે હાલ ડોલવણ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.સુરતના અમરોલીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા અને મૂળ જામનગરના ભાવિન બાબરીયા મીટીંગમાં જવાનું કહી ઘરેથી 11 માર્ચના રોજ નીકળ્યા હતાં. ઘરે પરત ન પહોંચતા તેમની પત્ની દ્વારા અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની જાણવાજોગ અરજી આપવામાં આવી હતી. પરંતુ બેડચીત ગામેથી લાશ મળી આવતા પોલીસ તપાસમાં તે ભાવિન બાબરીયાની હોવાનું બહાર આવ્યું છે. તેમની ઉંમર 30 વર્ષની હતી. ઘરેથી તેઓ તેમની બાઈક પર સવાર થઈ નીકળ્યા હતાં. તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ભાવિન બાબરીયા જેઓ ગુમ થયેલ તે તેમની પત્ની નીરાલીબેન દ્વારા જાણવા જોગ લખાવવામાં આવી હતી. અમરોલી પોલિસ તેની તપાસ કરી રહી હતી તે દરમિયાન ડોલવણ તાલુકા બેડચિત ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણ નદીમાંથી એક ઇસમની લાશ મળી આવી હતી. ડોલવણ પોલીસ ખાત્રી કરતા અમરોલી પોલિસ સ્ટેશન ખાતે આવેલ જાણવાજોગ દાખલ થયેલ એ ઈસમ ભાવિન બાબરીયા છે એ ખાત્રી થતાં ડોલવણ પોલિસ દ્વારા અક્સ્માત મોત દાખલ કરેલ છે.