સુરતના પાંડેસરામાં કરંટ લાગતા 15 વર્ષીય સગીર કામદારનું કરુણ મૃત્યુ નિપજ્યું - Surat News - SURAT NEWS
Published : Jul 3, 2024, 7:22 PM IST
સુરતઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. તેમાં પણ સુરતમાં પણ છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં વરસાદના લીધે ઈલેક્ટ્રિક કરંટ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં કામ કરનાર એક સગીરને કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું છે.
મૃતક મૂળ યુપીનો વતનીઃ સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં મીરા ડાંઇગ મિલમાં કામ કરતા એક પંદર વર્ષીય સગીરને કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે મૃતકના પિતા ગંગારામ યાદવે જણાવ્યું હતું કે, હું પાંડેસરા ગણેશ નગરમાં રહું છું અને મૂળ ઉત્તર પ્રદેશનો છું. હાલમાં મારી સાથે મારો 15 વર્ષીય દીકરો બલરામ ગંગારામ યાદવ જે અઢી મહિના પહેલાં સુરત આવ્યો હતો તે રહેતો હતો.
2 દિવસ પહેલાં જ નોકરીએ લાગ્યો હતોઃ હાલમાં બે દિવસથી તે પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી મીરા ડાંઇગ મિલમાં કામ કરતો હતો. ત્યારે તેને કરંટ લાગ્યો હતો. 10 નંબરના મશીનને હાથ અડી જતા તેને કરંટ લાગતા સારવાર માટે પહેલાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાર બાદ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે.