ઓલપાડના માસમાં ગામે 17 વર્ષીય સગીરને કરંટ લાગતા કરુણ મૃત્યુ થયું - Surat News - SURAT NEWS
Published : May 28, 2024, 9:37 PM IST
સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમાં ગામે જૂના હળપતિ વાસમાં રહેતો શ્રમજીવી પરિવારનો 17 વર્ષીય સગીરનું કરંટ લાગતા કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ સગીર માસમાં ગામની સીમમાં આવેલ શ્રી વીર મિલ્ક પ્રોડક્ટ કંપનીમાં કામ કરતો હતો. તે નિત્યક્રમ મુજબ લોખંડના ટેબલ પર બેસીને ઘી પેકિંગ કરી રહ્યો હતો. આ સમયે વજન કાંટાનો વાયર લોખંડના ટેબલને અડી જતાં સગીરને વીજ કરંટ લાગ્યો હતો. તે સ્થળ પર બેભાન થઈ ગયો હતો. હાજર લોકોએ સત્વરે બેભાન સગીરને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરવામાં આવતા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઓલપાડ પોલીસ મથકના હે.કો. તેજસભાઈએ જણાવ્યું હતું કે, માસમાં ગામની સીમમાં આ ઘટના બની હતી. હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.