બારપેટા: આસામના બારપેટા જિલ્લામાં બારપેટા મેડિકલ કોલેજ હોસ્પિટલની હોસ્ટેલના એક રૂમમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.બારપેટા શહેરના શાંતિનગરમાં વિદ્યાર્થીનો મૃતદેહ તેના હોસ્ટેલ રૂમમાં લટકતો મળી આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીની ઓળખ ગુજરાતના નવસારી જિલ્લાના હનુમાનબારીના રહેવાશી વિકાસ ભોયા તરીકે થઈ છે. વિકાસ ત્રીજા સેમેસ્ટરનો અનુસ્નાતક વિદ્યાર્થી હતો. વિકાસે તેનો MBBS કોર્સ પૂર્ણ કર્યો હતો અને બારપેટા મેડિકલ કોલેજમાં અનુસ્નાતક ડિગ્રી કરી રહ્યો હતો.
આજે બારપેટા મેડિકલ કોલેજમાં અંતિમ પરીક્ષા ચાલી રહી હતી. સવારે જ્યારે તેમનો હોસ્ટેલનો રૂમ બંધ હતો, ત્યારે અંદરથી કોઈ જવાબ ન મળતા રસોઈયાએ આવીને અન્ય વિદ્યાર્થીઓને જાણ કરી. ત્યાર બાદ અન્ય વિદ્યાર્થીઓ દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ્યા.
વિદ્યાર્થીઓએ વિકાસને રૂમના છતના પંખામાં લટકતો જોયો અને બારપેટા પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં બારપેટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બારપેટા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, મૃતક વિદ્યાર્થી વિકાસ ભોયા ગઈકાલ સુધી સંપૂર્ણપણે સામાન્ય હતો. પરીક્ષાઓ ચાલી રહી હોવાથી તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતા. વિકાસે આ અંતિમ નિર્ણય કેમ લીધો તે દરેક માટે રહસ્ય છે. વિકાસ ભોયાના પરિવારને આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.