તરસાડી નગર પાલિકા ખાતે હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોની હડતાળ બની ઉગ્ર, બંગડીઓ ફેંકાઈ - Surat News
Published : Jun 21, 2024, 10:01 PM IST
સુરતઃ તરસાડી નગર પાલિકા ખાતે હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોની હડતાળ ઉગ્ર બની, ચીફ ઓફિસર અને પાલિકાના સત્તાધીશોની કાર પર બંગડીઓ ફેંકી વિરોધ નોંધાવ્યો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર પાલિકા ખાતે છેલ્લા 8 દિવસથી સફાઈ કામગીરીથી અળગા રહીને હડતાળ પર ઉતર્યા. કામદારોની માંગ છે કે તેઓને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે, ખાલી જગ્યાઓ ભરવામાં આવે, કોન્ટેક્ટ પ્રથા રદ કરાઇ તેવી વિવિધ માંગો સાથે ધરણા પર બેસી વિરોધ કરી રહ્યા છે અને 2 દિવસ અગાઉ પાલિકાના મુખ્ય ગેટ પર તાળું મારી દીધું હતું. સતત વિરોધ છતાં પણ પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી નહી હલતા પાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી સહિત ચૂંટાયેલા હોદ્દેદારોનો ઘેરાવ કર્યો હતો. જોકે ચીફ ઓફિસર અધૂરી રજૂઆત સાંભળી રવાના થયા મહિલા સફાઈ કામદારોએ બંગડીઓ ફેંકી ફરી પાલિકાના ગેટ બહાર બેસી પાલિકાના સત્તાધીશો ના છાજિયાં લઈ હાય હાયના નારા લગાવ્યા હતા. કામદારોના વિરોધ પ્રદર્શનને લઇને પાલિકા ખાતે કોસંબા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત વાલ્મીકિ સમાજ સંગઠનના પ્રમુખ જીતુ ભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ માંગોને લઇને તરસાડી નગર પાલિકાના સફાઈ કામદારો હડતાળ પર બેઠા છે પણ અમારી રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી. જેને લઇને આજ રોજ તરસાડી નગર પાલીકાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી માંગ નહિ પૂર્ણ થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.