માંગરોળમાં સોયાબીન અને ડાંગરના પાકને થયું નુકસાન: બે દિવસ મોડી રાત્રે ભારે પવન અને વરસાદથી ખેડૂતો પર આભ તુટી પડ્યા જેવી સ્થિતી
Published : Oct 16, 2024, 4:15 PM IST
સુરત: સુરત જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે ખેડૂતોના હાલ બે હાલ થઇ રહ્યા હોવાની બુમ પડી રહી છે. માંગરોળ તાલુકામાં સોયાબીન અને ડાંગરનાં પાકને વ્યાપક નુકસાનના અંદાજ સાથે ખેડૂતો જાયે તો જાયે કહાં જેવી સ્થિતીમાં મુકાઇ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા બે ત્રણ દિવસથી સતત રાત્રી દરમ્યાન ભારે પવન સાથે વરસાદ વરસે છે. જેની સીધી અસર ડાંગર અને સોયાબીનના પાક પર વર્તાઇ પાકને મોટું નુકસાન થયું છે. માંગરોળ તાલુકાના નાનાફળી, વાંકલ, બોરીયા, ઓગણીસા, ભડકૂવા સહિતના ગામોમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઇ ગયો છે. તેમજ સોયાબીનના પાકમાં ફૂગ વળી ગઇ છે. જેને લઈને ખેડૂતોનો આ પાક ફેલ ગયો છે. ખેતરોમાં ડૂબી ગયેલા પાકને બચાવવા ખેડૂતો હાલ કામે લાગી ગયા છે. ડાંગર વાઢવાને ફક્ત 10 દિવસની રાહ હતી. ત્યારે તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઇ જતો ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. સરકાર ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને નુકસાની વળતર ચુકવે તેવી માંગ થઇ રહી છે. પોતાનાં સંતાનની જેમ ઉછેરેલો પાક ફેલ જતા જગતનો તાત હાલ લાચાર મુદ્રામાં વર્તાઇ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે એક બાજુ સરકાર ટેકાના ભાવ પણ પૂરતા નથી આપતી જેને લઇને ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું છે.