ભાવનગરમાં પૂરજોશમાં મતદાન : નિમુબેન, જીતુ વાઘાણી, મનસુખ માંડવીયાએ કર્યુ મતદાન, મોરારી બાપુએ મતદાન સાથે આપ્યો જનતાને સંદેશ - Lok Sabha Election 2024
Published : May 7, 2024, 2:17 PM IST
ભાવનગર : લોકસભા ચૂંટણી 2024 માટે ભાવનગરમાં વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા સહિતના રાજકીય નેતા અને આગેવાનોએ મતદાન કર્યું હતું. બીજી તરફ કથાકાર મોરારી બાપુએ મતાધિકારનો ઉપયોગ કરી જનતાને મતદાન કરવા અપીલ કરી હતી. ભાવનગર લોકસભા બેઠક પર સવારે 7 થી 9 વાગ્યા વચ્ચે 9.2 ટકા મતદાન થયું છે, જ્યારે 11 વાગ્યા સુધીમાં 22.32 ટકા મતદાન નોંધાયું હતું. ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ પરિવાર સહિત મતદાન કર્યું હતું. જ્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુ વાઘાણીએ પાઘડી પહેરી મતદાન કર્યું હતું. પાલીતાણા પંથકમાં આવેલા હણોલ ગામ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાએ મતદાન કર્યું હતું.