ધમાલ નૃત્ય સાથે જાંબુર મતદાન મથક પર સીદ્દી મતદારોએ કર્યું મતદાન, લોકશાહીના મહાપર્વને સાંસ્કૃતિક રીતે દીપાવ્યું - Gujarat Voting Day - GUJARAT VOTING DAY
Published : May 7, 2024, 1:56 PM IST
જુનાગઢ : લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે જુનાગઢ લોકસભા બેઠકના જાંબુર મતદાન મથક પર સીદ્દી આદિવાસીઓ દ્વારા ધમાલ નૃત્ય રજુ કરીને મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. લોકશાહીના મહાપર્વમાં જેમ જેમ મતદાન પ્રક્રિયા આગળ વધતી જાય છે. તેમ તેમ મતદાનને લઈને લોકોનો ઉત્સાહ અને મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા અનેક નવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જુનાગઢ લોકસભા બેઠકના જાંબુર મત વિસ્તારમાં સીદ્દી આદિવાસીઓ દ્વારા આજે ધમાલ નૃત્ય રજૂ કરીને મતદાનનું આ મહાપર્વ ઉજવ્યું હતું. ગામના તમામ લોકો ધમાલૃતીયમાં સામેલ થઈને જાણે કે એક જુલુસના રૂપમાં મતદાન આપવા માટે નીકળ્યા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. જાંબુરમાં સીદ્દી આદિવાસીઓ પાછલા 100 વર્ષ કરતા પણ વધુ વર્ષથી નિવાસ કરે છે. નવાબના સમયમાં આ વિસ્તારમાં આફ્રિકાના આદિવાસીઓને જાંબુર ગામમાં સ્થાયી કરવામાં આવ્યા હતાં. સમગ્ર જાંબુર ગામમાં એક માત્ર સીદ્દી આદિવાસીઓની વસ્તી છે. તેઓ આફ્રિકાથી આવીને ભારતીય પરંપરામાં એવા આબેહૂબ ઢળી ગયા છે કે તેઓ તેની કલાવારસામાં પણ ભારતની છાપ રજૂ કરે છે. ધમાલ નૃત્ય એ આદિવાસી સમાજનું સૌથી મોટું અને અદકેરુ સાંસ્કૃતિક નૃત્ય છે. ત્યારે સમગ્ર દેશ લોકશાહીના આ મહાપર્વમાં ગળાડૂબ હોય ત્યારે સીદ્દી આદિવાસીઓ એ પણ તેમની આ લોક કલા ભલે આફ્રિકન સંસ્કૃતિની હોય પરંતુ તેના થકી પણ ભારતના આ લોકશાહીના મહાપર્વને સાંસ્કૃતિક રીતે પણ દીપાવ્યું હતું.