ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં 50 થી વધુ પ્રશ્નોમાં છબરડા, નવી આન્સર કી જાહેર કરવા રજૂઆત - Forest Beatguard Answer Key
Published : Jun 12, 2024, 7:14 PM IST
ગાંધીનગર : ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. બાદમાં પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી અને વાંધા અરજી મંગાવવામાં આવી હતી. ત્યારબાદ ફાઇનલ આન્સર કી રિલીઝ કરવામાં આવી હતી. જોકે. ફાઇનલ આન્સર કીમાં ઘણા છબરડા હતા. કેટલાક પ્રશ્નોના જવાબ ભૂલ ભરેલા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને સાથે રાખીને અમે સચિવ હસમુખ પટેલને રજૂઆત કરી હતી. અમારી પાસે અધિકૃત પુરાવા છે, જેના આધારે વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હસમુખ પટલે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે ખાતરી આપી છે. આવતી 27 જૂન સુધીમાં સુધારેલી ફાઇનલ આન્સર કી ફરી વખત રિલીઝ કરવામાં આવે. વન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાને અમે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. TBRT પદ્ધતિ બંધ કરવાની માંગણી કરી છે. અમે ફરીથી ઓફલાઇન પદ્ધતિથી પરીક્ષા લેવાની માંગણી કરીએ છીએ. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે, ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં અગાઉ પણ 30 જેટલા પ્રશ્નો રદ કરવાની ફરજ પડી હતી. હજી પણ 50થી વધુ પ્રશ્નોમાં છબરડા છે. જો 27 તારીખ સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને લડત ચલાવવામાં આવશે.