જૂનાગઢ : રામ-શ્યામ, જય-વીરુ, કોલરવાળી, બાંડી...આ બધા નામો ગીરની જંગલ સફારીમાં જોવા મળતા સિંહ-સિંહણના છે. પાછલા કેટલાય વર્ષોથી સિંહ અને સિંહણને યાદ રાખવા માટે સ્થાનિક વન વિભાગના કર્મચારી, અધિકારી અને માલધારીઓ આ રીતે નામ રાખીને તેની જંગલમાં વિશેષ ઓળખ અને ઉપસ્થિતિ કરે છે. સિંહોના નામકરણનો એક રસપ્રદ ઇતિહાસ ગીર સાથે જોડાયેલો છે.
સિંહ-સિંહણના નામકરણની પરંપરા : ગીર રાષ્ટ્રીય અભયારણ્યમાં સિંહની વિશેષ ઓળખ થાય તે માટે તેમના નામકરણ કરવાની એક પરંપરા પાછલા ઘણા વર્ષોથી છે. ગીરમાં જે તે વિસ્તારની અલગ ઓળખ સાથે આજે પણ સિંહોના નામ રાખવામાં આવે છે. સિંહોની ગતિવિધિ પર સતત નજર રાખતા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સ્થાનિક લોકો આ નામ રાખે છે.
ગીર વિસ્તારના નેસમાં રહેતા માલધારીઓ પણ સિંહોની ગતિવિધિ અને સિંહોની હાજરીની વચ્ચે સતત જીવન જીવે છે. આ રીતે સ્થાનિક સિંહ-સિંહણ કે સિંહની જોડીના નામ આપવામાં આવે છે. જેનાથી જે તે સિંહ સિંહણની એક વિશેષ ઓળખ ઉભી થાય છે. ગીર વિસ્તારમાં સતત જોવા મળે ત્યાં સુધી તેને મળેલા નામથી જ વન વિભાગના કર્મચારીઓ અને માલધારીઓમાં ઓળખાતા હોય છે.
કેવી રીતે થાય છે નામકરણ ? ગીરમાં સિંહની વિશેષ ઓળખ તેમની હલચલ અને સિંહની ચેષ્ટાને ધ્યાને રાખીને કરવામાં આવે છે. ગિરનાર અને રાષ્ટ્રીય અભ્યારણ્યમાં સિંહ સિંહણના અનેક નામ રાખવામાં આવ્યા છે. જે પૈકીના ઘણા ખરા નામ એવા છે જે આજે પણ લોકમુખે સતત બોલાતા અને ચર્ચાતા રહ્યા છે. જેમાં નરસિંહની બે જોડી, રામ-શ્યામ અને જય-વીરુ આ બંને સિંહોની જોડીના નામ તેમની મિત્રતાને ધ્યાને રાખીને રાખવામાં આવ્યા હતા.
"ટીલીયો અને કાનકટ્ટો" : આ ઉપરાંત ગીરમાં એક સિંહના કપાળ પર તિલક જોવા મળતું હતું, જેને ટીલિયા તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે. એક સિંહનો કાન ઈન ફાઈટ દરમિયાન અથવા તો કોઈ કારણથી કપાઈ ગયો હશે, જેને કાનકટ્ટો નામ આપવામાં આવ્યું. આવી જ રીતે પૂંછ કપાયેલી એક સિંહણને બાંડી તરીકે ઓળખવામાં આવતી હતી.
"રાજમાતા અને ભગત" : એક સિંહણનો પ્રત્યેક સિંહ અને સિંહણ ખૂબ જ આદર કરતા હતા, જેથી આ સિંહણને રાજમાતા નામ આપવામાં આવ્યું. તેવી જ રીતે એક સિંહ તેના સ્વભાવથી એકદમ શાંત હતો, જે ક્યારેય ઉશ્કેરાયેલ કે ગુસ્સામાં જોવા મળતો ન હતો. તે સિંહને વનવિભાગે ભગત નામ આપીને તેની વિશેષ ઓળખ જંગલ વિસ્તારમાં ઉભી કરી છે. એક સિંહણના ગળામાં કોલર જેવી કુદરતી નિશાની હતી, જેથી તેને કોલરવાળી તરીકે ઓળખવામાં આવતી હતી.