કોંગ્રેસે ખેડૂતો સાથે મળી કર્યું વિરોધ પ્રદર્શન, 11 થી 1 વાગ્યા સુધી પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું - CONGRESS PROTEST
Published : Dec 5, 2024, 7:51 PM IST
અમરેલી: જિલ્લામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. પરિણામે મગફળી, સોયાબીન તેમજ કપાસના પાકને મોટું નુકસાન થયું હતું. સરકાર દ્વારા રાહત માટે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પરિણામે અતિવૃષ્ટિમાં થયેલી ખેતીપાકોની નુકસાની અને ઇકો સેન્સિટિવ ઝોનને લઈને આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજુલાના આંબેડકરના સ્ટેચ્યુ સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, ટીકુભાઈ વરું, ડી.કે. રૈયાની સહિતના રાજુલા જાફરાબાદના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અહીં સવારે 11 થી 1 વાગ્યા સુધી ધરણા કરી રાજુલા પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે જણાવવામાં આવ્યું હતું.