સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 16 વર્ષની કિશોરીએ ગર્ભપાતની દવા લઈને 4 મહિનાના ભ્રૂણને જન્મ આપ્યા બાદ કચરાપેટીમાં ફેંકી દીધું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કિશોરી ઈન્સ્ટાગ્રામ પર એક 16 વર્ષના કિશોર સાથે સંપર્કમાં આવી હતી, જે પાંડેસરાના બાલાજીનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો.
DCP વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ, 9 જાન્યુઆરીએ અપેક્ષાનગર પાસેથી ભ્રૂણ મળ્યા બાદ સ્થાનિક લોકોની માહિતીના આધારે બિહારના એક પરિવારની કિશોરી સુધી તપાસ પહોંચી. મેડિકલ તપાસમાં પુષ્ટિ થઈ કે કિશોરીએ તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હતો.
ટોઈલેટમાં જાતે કરી ડિલિવરી
પોલીસની પૂછપરછમાં કિશોરીએ જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામથી તે એક મજૂરી કરતા છોકરાના સંપર્કમાં આવી હતી. તે પાંડેસરા વિસ્તારમાં ભાડાના મકાનમાં પોતાના બનેવી સાથે રહીને મજૂરી કામ કરતો હતો. અહીં મુલાકાત દરમિયાન સગીર અને સગીરા વચ્ચે સંબંધ બંધાયા હતા, જેના કારણે સગીરા પ્રેગ્નેટ થઈ ગઈ હતી. નાની ઉંમરમાં પ્રેગ્નેન્સી થતા મૂંઝવણમાં સગીર પોતાના વતન યુપી જતો રહ્યો હતો અને બંને એકબીજાના સંપર્કમાં નહોતા. દરમિયાન સગીરાએ ગર્ભપાત માટેની દવા લઈને ટોઈલેટમાં જ જાતે ડિલિવરી કરી અને ઘરના લોકો અને સમાજમાં બદનામીના ડરના કારણે ભ્રૂણને કચરાના ડબ્બામાં ફેંકી દીધું હતું.
કિશોરીએ પોલીસ સમક્ષ બે અલગ-અલગ નિવેદનો આપ્યા છે. પહેલા નિવેદનમાં તેણે કહ્યું કે, મુંબઈ ભાગી ગયેલા કિશોરે તેને ગર્ભપાતની દવા આપી હતી, જ્યારે બીજા નિવેદનમાં તેણે જણાવ્યું કે, બિહારમાં રહેતી તેની ભાભીએ દવા આપી હતી. કિશોરી હાલ ટ્રોમામાં હોવાથી સત્ય બહાર લાવવા માટે પોલીસે ભ્રૂણ, કિશોર અને કિશોરી ત્રણેયના DNA સેમ્પલ લઈને FSL તપાસ માટે મોકલ્યા છે.
નોંધનીય છે કે કિશોરી 3 જાન્યુઆરી સુધી નિયમિત શાળાએ જતી હતી. સમાજમાં બદનામીના ડરથી તેણે ગર્ભપાતની દવા લીધા બાદ ટોઇલેટમાં જન્મેલા ભ્રૂણને કચરાપેટીમાં ફેંકી દીધું હતું. પોલીસે આ ગંભીર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: