સુરત: સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રાફિક શાખા દ્વારા TRBના 15 જવાનોની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે, જે ડાન્સ, ડ્રામા અને ફિલ્મી ડાયલોગ્સના માધ્યમથી લોકોને ટ્રાફિક નિયમોની સમજ આપશે. ઉલ્લેખનીય છે કે લોકોને ટ્રાફિકની સમજ મળે તે માટે કરવામાં આવતા આ અવનવા પ્રયોગમાં જે 15 વ્યક્તિઓની ટીમ છે તે લોકોને ભારે મહેનત કરવી પડશે તે નક્કી છે. લોકો કેટલા સભાન થાય છે તે તેમના ઉપર છે પરંતુ આ 15 વ્યક્તિઓ માટે આ અત્યંત મહેનત અને થકાવી દેનારું કામ છે.
આવા ડાયલોગ્સ પણ બોલશેઃ ડીસીપી અમિતા વાનાણીના જણાવ્યા મુજબ, આ ટીમ રેડ સિગ્નલ દરમિયાન 50-60 સેકન્ડમાં તેમની રજૂઆત કરશે. ટીમ દ્વારા ફિલ્મી અંદાજમાં "હમારે જવાન, સુરત કે ચોરાહે પર તુમ પર નજર બનાયે હુએ હૈ" જેવા ડાયલોગ્સનો ઉપયોગ કરીને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.
સુરત ટ્રાફિક શાખાએ આ કાર્યક્રમ માટે NGOsનો સહયોગ પણ લીધો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં અકસ્માતો ઘટાડવા અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ટીમ જાહેર સ્થળો અને જંક્શનો પર ડ્રામા ભજવશે, ડાન્સ કરશે અને રસપ્રદ રીતે ટ્રાફિક નિયમોની સમજ આપશે. આ નવતર પ્રયોગ દ્વારા સુરત ટ્રાફિક પોલીસ સામ-દામ-દંડના સિદ્ધાંત સાથે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરી રહી છે. સ્વાભાવીક છે કે, ડાન્સ, ડાયલોગ્સ કે ડ્રામા કરવા માટે એક વ્યક્તિને ના માત્ર બૌદ્ધીક પણ શારીરિક રીતે પણ ઘણી થકવી દેનારું અને મહેનત માગનારું છે. તેથી કહી શકાય કે આવા વ્યક્તિઓ કે જે તમારા માટે, આપણા માટે આવી મહેનતની કામગીરી કરી રહ્યા છે તેમને માન આપજો અને ટ્રાફીકના નિયમો પાળજો.