ભાવનગરઃ આરોગ્ય વિભાગ તહેવારોમાં સેમ્પલ લે છે પણ શંકાના જ આધારે: સાધનો અને લેબોરેટરીનું ગણિત શું જાણો
Published : Oct 15, 2024, 10:06 PM IST
ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગે કમરકસી લીધી છે પણ તહેવારોમાં મીઠાઈ શુદ્ધ કે અશુદ્ધ તેની હાલ તો જવાબદારી પ્રજાની જ છે. જો કે આરોગ્ય વિભાગની કામગીરી હાલમાં શું છે. સ્થળ પર જ નક્કી થાય કે ભેળસેળ છે કે નહીં તેવી કોઈ ટેકનોલોજી નથી. જાણો કેમ જુઓ...
ભાવનગર શહેર અને જિલ્લામાં તહેવારો નજીક આવતા આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જો કે આરોગ્ય વિભાગ પણ શંકાના આધારે કાર્યવાહી કરે છે. સેમ્પલો લેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવતા તહેવારો પણ જતા રહ્યા હશે. ત્યારે સામાન્ય પ્રજાએ કઈ રીતે સાવચેત રહેવું ? એ બધી પરિસ્થિતિ અને આરોગ્ય વિભાગના હાથ હેઠા કેમ જાણીએ.
મહાનગરપાલિકાએ તહેવારોમાં સેમ્પલ
ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તહેવારો શરૂ થતાં સેમ્પલીંગ કરવામાં લાગી ગયું છે. પરંતુ પ્રજાને ફાયદો શું તો જવાબ છે કાંઈ નહીં. જો કે હાલમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડો આર કે સિંહાએ જણાવ્યું હતું કે, આપણા સરકારના નિયમ મુજબ છેલ્લા દસ દિવસમાં 110 નમુના લીધા છે એમાં ડેરી પ્રોડક્ટ સ્વીટ્સ મીઠો માવો તેલના સેમ્પલ બધુ આવી ગયું છે અને તૈયાર છે વસ્તુના સેમ્પલ લેવાયા છે.
આરોગ્ય વિભાગ પણ શંકાના આધારે લે છે સેમ્પલ
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આર કે સિંહાએ જણાવ્યું હતું કે, અમે બધા સેમ્પલિંગ શંકાના આધારે કરીએ છીએ. સેમ્પલિંગ કરીએ ત્યારે જરૂરી નથી કે, તે ખરાબ હોય. અમે શંકાના આધારે સેમ્પલ લઈએ છીએ. હવે સરકારના નિયમ મુજબ અમારે મોકલવું પડે છે અને ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય ચીજ કેવી છે તેને લઈને ખબર પડે છે.
પ્રાથમિક સાધનોથી નથી સત્ય આવતું બહાર
ભાવનગર શહેરમાં અનેક મીઠાઈ ફરસાણ સહિત ખાસ લોકોને ત્યાં મહાનગરપાલિકા દ્વારા સેમ્પલિંગ કરીને કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ તેના રિપોર્ટનો જવાબ આવતા ત્રણ મહિના અથવા તો છ મહિના જેવો સમય લાગી જાય છે, ત્યારે માનાગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આરકે સિંહાએ જણાવ્યું હતું કે, અમારી પાસે પ્રાથમિક તપાસ માટેના સેફટી ઓન વ્હીલ સાધનો છે એની ટેસ્ટીંગનો એક દાયરો હોય છે, જેની મર્યાદા હોય છે તેમાં વધારે પેરામીટરની તપાસ થઈ શકતી નથી, એ માટે લેબોરેટરીમાં મોકલવા પડે છે.
જિલ્લામાં રાજ્યના ફૂડ વિભાગની કાર્યવાહી
ભાવનગર શહેરના બહુમાળી ભવનમાં આવેલા ફૂડ વિભાગના કર્મચારી ધવલભાઇએ ટેલીફોનિક વિગત આપતા જણાવ્યું હતું કે હાલમાં થોડા સમયમાં તહેવારોને પગલે દૂધના સેમ્પલ પાલીતાણા, ભાવનગર, મહુવા અને શિહોરમાંથી 35 જેટલા લેવામાં આવ્યા છે. જ્યારે મરી મસાલાના પાલીતાણા મહુવા અને બોટાદમાંથી 25 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે તેલના ઢસા, બોટાદ, પાલીતાણા અને ગારીયાધારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે બેકરી આઈટમમાં 35 જેટલા સેમ્પલ લેવામાં આવેલા છે.
જિલ્લામાં કેટલો જથ્થો જપ્ત
જો કે ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી ચેકિંગ દરમિયાન 11,95,483 થી વધુ નો 1789.50 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ, મીઠો માવો, બરફી, બેકરી પ્રોડક્ટ,મરી-મસાલા, ખાદ્ય તેલ મળીને 50 ફોર્સમેન્ટ અને 125 સર્વેલન્સ નમૂના મળીને 175 જેટલા નમુના લેવાયા હતા. જેમાં 124 પેઢીઓનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાએ લીધેલા ચાલુ માસના નમૂના
- દૂધ - 2
- દૂધની બનાવટ - 5
- મીઠો માવો - 2
- બરફી - 5
- ખાદ્ય તેલ - 7
- બેકરી પ્રોડક્ટ - 7
- સૂકા મેવા - 5
- ઘી - 5
- મરચું હળદર - 5
- પનીર - 5
- સબ્જી - 2
તેનાથી વધુ મળીને કુલ 110 અને જિલ્લા ફૂડ વિભાગના 175 મળીને કુલ શહેર જિલ્લામાં 285 નમૂનાઓ લેવાયા છે.