ટુકેદ ગામે આવેલા તળાવમાં દાદી સાથે નહાવા જતા આઠ વર્ષનો બાળક ઊંડા પાણીમાં ડૂબી ગયો - surat incident - SURAT INCIDENT
Published : May 27, 2024, 9:48 PM IST
સુરત: જિલ્લાના માંડવી તાલુકાના ટુકેદ ગામે આવેલા તળાવમાં દાદી સાથે આઠ વર્ષનો બાળક નાહવા જતાં બાળક અકસ્માતે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ગામના તરવૈયાઓએ તળાવમાંથી બાળકને શોધી સારવાર માટે અરેઠ સરકારી દવાખાને લઈ જતાં મૃત જાહેર કરાયો હતો.
ટુકેદ ગામે ઝઘડિયા ફળિયામાં મહેશ કુંવરજીભાઈ ગામીત પત્ની સીતા, માતા વાહનીબેન કુંવરજીભાઈ ગામીત અને ૧૨ વર્ષની પુત્રી તથા ૮ વર્ષના પુત્ર વિનય સાથે રહે છે. વિનય પોતાની દાદી વાહનીબેન સાથે ટુકેદ ગામની સીમમાં આવેલા તળાવના પાણીમાં નહાવા ગયો હતો. જ્યાં વાહનીબેન અને વિનય તળાવના કિનારે બેસી છીછરા પાણીમાં નહાતા હતા, ત્યારે નહાતા-નહાતા વિનય અચાનક ઉંડા પાણીમાં પહોંચી જતાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં ગામના તરવૈયા યુવાનોએ તળાવના ઉંડા પાણીમાં ઉતરીને વિનયને કાઢી બેભાન હાલતમાં સારવાર માટે અરેઠ સરકારી દવાખાને લઈ જતાં ફરજ પરના ડોક્ટરે વિનયને મૃત જાહેર કરતાં માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
માંડવી પોલીસ મથકના પીઆઇ હેમંત પટેલે જણાવ્યું હતું કે, બનેલ ઘટનામાં તળાવમાં ડૂબી જવાથી આઠ વર્ષના બાળકનું મોત થયું છે. સમગ્ર બાબતે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.