Shocking cctv footage : મહિલા કારચાલકે એક્ટિવા ચાલક યુવતીને ફંગોળી, 21 વર્ષની યુવતીનું મોત, ઘટના CCTVમાં કેદ - Ahmedabad Accidents
Published : Mar 15, 2024, 7:37 PM IST
અમદાવાદ: અમદાવાદમાં ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી ત્યારે કારચાલક મહિલાએ તેને અડફેટે લેતાં 50 મીટર સુધી ઢસડાઈ હતી. યુવતી ગંભીર ઈજા સાથે લોહીલૂહાણ બની હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ગંભીર ઈજા સાથે યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું છે. ત્યારે પરિવારજનો અકસ્માત કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવે એવી માગ સાથે પોલીસ સ્ટેશન ભેગા થયા હતાં. યુવતી અકસ્માત પછી કોમામાં જતી રહી હતી અને આખા શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર થયાં હતાં. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નારણપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિશ્વા શાહ નામની યુવતી એક્ટિવા પર જઈ રહી હતી અને અકસ્માતનો ભોગ બની હતી. વિશ્વાને પાંસળી અને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જે તેને મોતના મુખમાં લઈ ગઈ હતી. આ સમગ્ર મામલે હાલ ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.