કડી પોલીસની ટીમને ત્રણ ગોડાઉન ભરીને મળ્યો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો - suspected government grain - SUSPECTED GOVERNMENT GRAIN
Published : Jul 16, 2024, 8:10 PM IST
મહેસાણા: મહેસાણાના કડીના બુડાસણ નજીક કડી પોલીસની ટીમે રેડ કરીને મોટી માત્રામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો પકડી પાડયો છે. કડીના બુડાસણ નજીક આવેલ જીઆઇડીસીમાં ત્રણ ખાનગી ગોડાઉનમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો હોવાની વાતની કડી પોલીસને મળી હતી. જેના આધારે કડી પીઆઇ વાઘેલા અને પીએસઆઇ ચાવડા સહિતની ટીમે ગત મોડી રાત્રે રેડ કરી હતી. આખી રાતની તપાસ બાદ આજે આખો દિવસ પુરવઠા વિભાગને જાણ કરી પુરવઠા વિભાગ સ્થળ પર આવી શંકાસ્પદ સરકારી અનાજની ચકાસણી કરે તે માટે પોલીસે પુરવઠા વિભાગને જાણ કરી હતી. જોકે પુરવઠા વિભાગને તો કોઈ દરકાર જ ન હોય તેમ પોલીસને જણાવી દીધું કે પોલીસે રેડ કરી છે તો પોલીસ મુદ્દા માલ સીઝ કરે અને ત્યારબાદ અમને જણાવે ત્યારે અમે આવીને આગળની તપાસ કાર્યવાહી કરીશું. પુરવઠા વિભાગની રાહ જોઈને આખરે સાંજે કડી પોલીસની ટીમે મુદ્દા માલની વજન કરવા સહિતની પંચનામુ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ત્યાં સુધી પુરવઠા વિભાગનું કોઈ અધિકારી સ્થળ પર ફરક્યું ન હતું.