સુરત: શહેરના અલથાન વિસ્તારના ભીમરાડ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા અને વોર્ડ નંબર 30 ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિપીકા આપઘાત કેસમાં ફરી નવો વળાંક આવ્યો છે. એફએસએલએ દિપીકાના મોબાઈલ ફોનનો વિગતવાર રિપોર્ટ પોલીસને સોંપ્યો હતો જેમાં તેના ચિરાગ સાથેના હજારો ફોટા મળી આવ્યા છે અને પારિવારિક ફોટા મળ્યા નથી.
FSLએ દીપિકાના મોબાઈલ ફોનનો વિગતવાર રિપોર્ટ પોલીસને સોંપ્યો
ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાના આપઘાત કેસમાં FSL રિપોર્ટમાં નવો ખુલાસો કર્યો છે. FSLએ દીપિકાના મોબાઈલ ફોનનો વિગતવાર રિપોર્ટ પોલીસને સોંપ્યો છે, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મોબાઈલ ડેટામાં દીપિકા અને કોર્પોરેટર ચિરાગ સોલંકીના હજારો ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે, પરંતુ એક પણ પારિવારિક ફોટો મળ્યો નથી. આ તથ્ય ચિરાગના એ નિવેદનને ખોટું સાબિત કરે છે, જેમાં તેણે દીપિકાને બહેન ગણાવી હતી અને રાખડી બંધાવવાનો દાવો કર્યો હતો.
દીપિકાનો ચિરાગ સાથેનો ગાઢ સંબંધ !
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, FSL રિપોર્ટ મળ્યા બાદ પણ દીપિકાના પતિ અને પરિવારજનોને ફરિયાદ નોંધાવવા માટે સમજાવવામાં આવ્યા છે, પરંતુ તેઓ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી. કોલ ડેટા અને ફોટોગ્રાફ્સના આધારે દીપિકાનો ચિરાગ સાથેનો ગાઢ સંબંધ સ્પષ્ટ થાય છે.
આપઘાત કેસમાં કાયદા મુજબ પરિવારના સભ્યો દ્વારા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવવામાં આવે તો જ આગળની કાર્યવાહી થઈ શકે છે. સમાજના અગ્રણીઓએ પણ પરિવારને ફરિયાદ નોંધાવવા સમજાવ્યા છે, પરંતુ દોઢ મહિના વીતવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ સ્થિતિમાં કેસમાં આગળની તપાસ અટકી જવાની શક્યતા છે.
ગત 1 ડિસેમ્બરે દીપિકાએ કર્યો હતો આપઘાત
મહત્વપૂર્ણ છે કે,સુરતમાં અલથાણના ભિમરાડ ખાતે રહેતી અને ભાજપ વોર્ડ નં. 30ની મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે 1 ડિસેમ્બર બપોરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલાને લઈને સુરત સહિત રાજ્યભરમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. કારણ કે આ મહિલા સાથે રહેનારા નગરસેવક ચિરાગનું નામ સામે આવ્યું હતું.