સુરતમાં 11 મહિનાની બાળકીએ જીવ ગુમાવ્યો, રમતા-રમતા થયું એવું કે... - Surat News - SURAT NEWS
Published : Jul 31, 2024, 3:41 PM IST
સુરત: ભેસ્તાન વિસ્તારમાં એક બાળકી રમતા રમતા દરમિયાન પાણીની ડોલમાં પડી ગઈ હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવાર માથે આભ ફાટ્યું છે. મૂળ બિહારના અરવલ્લી જિલ્લાના વતની અને હાલ ભેસ્તાન વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા ધર્મેન્દ્ર શાહુ સંચા ખાતામાં કામ કરી પત્ની, એક પુત્ર તથા એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ધર્મેન્દ્ર સવારે કારખાને કામ પર ગયો હતો. જ્યારે ધર્મેન્દ્રની પત્ની બે સંતાન સાથે મંગળવારે બપોરે સુતી હતી. દરમિયાન બે સંતાન પૈકી 11 મહિનાની દિવ્યા રમતી હતી. ત્યારે રમત રમતમાં ઘરમાં રહેલી પાણીની ડોલમાં કોઈક રીતે પડી ગઈ હતી. જે બાદ માતા જાગતા દિવ્યા પાસે ન હોવાની જાણ થતા શોધખોળ કરી હતી. દરમિયાન પાણીની ડોલમાં બાળકીને ડૂબેલી જોતા તાત્કાલિક બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે દિવ્યાને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.