ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે શ્રાદ્ધપક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા - Pitru Tarpan in Shraddhapaksha - PITRU TARPAN IN SHRADDHAPAKSHA
Published : Sep 28, 2024, 9:52 PM IST
વડોદરાઃ હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે આ પર્વને પિતૃઓના આત્માની તૃપ્તિ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. સ્વયં યમરાજે આત્માને શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી ઉપર પોતાના વંશજોને ત્યાં જવાની છૂટ આપી છે તેવું મનાય છે. જેથી પિતૃ લોકથી તૃપ્ત થવાની આશા સાથે પોતાને નિવાસે શ્રાદ્ધ પક્ષમાં આવે છે. વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના તિર્થધામ ચાંદોદ ખાતે શ્રાધ્ધ પક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. હાલ શ્રાદ્ધ પક્ષ-પિતૃપક્ષ ચાલી રહ્યો છે, ત્યારે પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ દોષ, નારાયણ બલી જેવા કર્મકાંડ કરાવવા અર્થે ચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રાચીન સમયથી ભારતમાં પિતૃ પક્ષના આ 16 દિવસોમાં સદગત પિતૃની તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે. હિન્દુ ધર્મ પ્રમાણે પિતૃ પક્ષમાં વંશજો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ જેવી શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. શ્રાદ્ધ દરમિયાન આનંદથી શ્રાદ્ધનું ભોજન બનાવી પિતૃઓને થાળ અર્પણ કરવામાં આવે છે. કાગડા, ગાય, શ્વાનને ભોજન અપાય છે ,તેમજ બ્રાહ્મણ અને ગરીબોને પણ ભોજન કે દાન આપી કુટુંબના સભ્યો આનંદથી પ્રસાદ અપાય છે.
ચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનો ધસારો
ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર તરીકે ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. શ્રાધ્ધ પક્ષમાં પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરવા માટે શ્રદ્ધાળુઓ આ તીર્થધામ ચાંદોદ ખાતે આવી પહોંચતા હોય છે. આ શ્રાદ્ધ કર્મ કરવાથી આયુષ, ધન, વિદ્યા અને વૈભવ પ્રાપ્ત થતું હોય છે અને પિતૃઓને શાંતિ પ્રાપ્ત થતી હોય છે. કેટલીકવાર પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પણ શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ પક્ષમાં તીર્થધામ ચાંદોદ ખાતે આવતા હોય છે. પોતાના સ્વજન જે તિથિએ સ્વર્ગસ્થ થયા હોય એ તિથિએ આ તીર્થધામમાં આવી પોતાના ગોર પાસે શ્રાદ્ધની વિધિ શ્રદ્ધાપૂર્વક કરાવતાં હોય છે. હાલ શ્રાદ્ધપક્ષ- પિતૃપક્ષ ચાલી રહ્યો છે, ત્યારે પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ દોષ, નારાયણ બલી જેવા કર્મકાંડ કરાવવા અર્થે ચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યોઊ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તીર્થક્ષેત્ર ચાંદોદને સર્વ પિતૃ શ્રાદ્ધ માટે ગુજરાતનું એકમાત્ર નર્મદા કિનારાનું તીર્થ ધામ ગણવામાં આવે છે.
પિતૃદોષનું મુખ્ય કારણ જાણો
હિન્દુ ધર્મ પ્રમાણે પિતૃદોષ ઘણા કારણોથી થાતો હોય છે. જેમ કે, પૂર્વજોનાં અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ ન કરવા, પૂર્વજોનું અપમાન કરવું, ઘરની સ્ત્રીઓનું સન્માન ન કરવું, પ્રાણીઓની હત્યા કરવી, વડીલોનું અપમાન કરવું, જન્મ કુંડળીમાં પિતૃદોષ હોવો જેવા કારણોનાં લીધે પિતૃદોષ થતો હોય છે. આ પિતૃ દોષથી મુક્તિ મેળવવા શ્રાદ્ધ પક્ષમાં વિશેષ વિધિ-વિધાન કરવામાં આવે છે.
પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા
એવું માનવામાં આવે છે કે, તમારા કુળદેવતાની અનેઈષ્ટ દેવની દરરોજ પૂજા, શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ, ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ, અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ પિતૃદોષથી મુક્તિ મેળવી શકાય છે અને ઈષ્ટદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે, તેમજ દોષો ઓછા થાય છે. આ ઉપરાંત પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે ભગવાન શિવને અભિષેક કરવામાં આવે છે. ઘરની દક્ષિણ દિવાલ ઉપર તમારા સ્વર્ગસ્થ સંબંધીઓના ફોટા લગાવો અને દરરોજ તેમની પૂજા કરવાથી પણ પિતૃદોષ માંથી મુક્તિ મળે છે. સાંજે પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો અને નાગ સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્ર અથવા રુદ્રસૂક્ત અથવા પિતૃ સ્તોત્ર અને નવગ્રહ સ્તોત્રનો પાઠ કરવાથી પણ પિતૃ દોષથી શાંતિ મળે છે. જોકે વિજ્ઞાન તેને માનતું નથી પરંતુ ધાર્મિક વિધિ પ્રમાણે હિન્દુ ધર્મમાં આ પ્રકારની માન્યતાઓ છે.
પિતૃદોષના છે તેવા કેટલાક સંકેતો
હિન્દુ સંપ્રદાયની માન્યતા મુજબ પિતૃ દોષ લાગ્યો છે તે કેટલાક સંકેતો અંગે કેટલીક માન્યતા રહેલી છે. જેવી કે તુલસીના પાન સુકાઈ જવા, ઘરના આંગણામાં પીપળો ઉગી નિકળવો, નોકરીમાં તકલીફ આવી, વારંવાર સ્વાસ્થ્ય બગડવું, તમને કોઈ સફળતા ન મળે જેવા અનેક કારણો છે જેને પિતૃદોષના સંકેત તરીકે માનવામાં આવે છે. પિતૃદોષનું નિવારણ પણ ચોક્કસપણે થઈ શકે છે. જેથી એવું માની નહીં લેવું કે, પિતૃદોષ છે એટલે આપણું સંપૂર્ણ કામ ખરાબ જ થવાનું છે. પરંતુ જાણકાર કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ પાસે પિતૃદોષની વિધિ કરાવાથી પિતૃદોષનું નિવારણ થઈ શકે છે. જોકે અહીં પણ આ એક માન્યતાઓ છે જેને આજનું આધુનિક સાયન્સ માન્ય રાખતું નથી.