ગાંધીનગરઃ આપણાં ગુજરાતની ધરતીમાં હજારો વર્ષથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતી રહી છે. ગુજરાતનો સુતરાઉ, ઊની અને રેશમી વસ્ત્રવણાટ ઉદ્યોગો હજારો વર્ષ જૂના છે. ગુજરાતમાં પ્રાચીન પરંપરાને લીધે ઘણાં વસ્ત્રોના નામો આજે પણ યથાવત જોવા મળે છે. ત્યારે આજે 21 ડિસેમ્બરના વિશ્વ સાડી દિવસ નિમિત્તે વાત ગુજરાતના પટોળા અને બાંધણી વિશે...
- વિશ્વ સાડી દિવસ નિમિત્તે વાત ગુજરાતના પટોળા અને બાંધણી વિશે : સાડી એ લાવણ્ય, વારસો અને સંસ્કારિતાનું પ્રતીક
- પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું : પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતિક
- બાંધણીએ સદીઓથી વિશ્વભરના લોકોને મોહિત કર્યા, કચ્છના વાઇબ્રન્ટ પ્રદેશ અને ઐતિહાસિક શહેર જામનગરમાંથી ઉદ્દભવેલી ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત હસ્તકલા તરીકે વિકસિત થઈ
- બાંધણી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ
જેના માટે આપણું રાજ્ય વિશ્વ વિખ્યાત છે એવું પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું છે. પટોળાં માટે એક કહેવત જાણી છે કે, “પડી પટોળે ફાટે પણ ફીટે નહીં”. ઐતિહાસિક નગર પાટણની ઓળખ પટોળું છે. પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતિક છે.
900 વર્ષ જુનો છે ઈતિહાસ
પટોળા વણાંટની કળાનો સમૃદ્ધ ઈતિહાસ છે, જે સોલંકી વંશના સમયથી 900 વર્ષ પહેલાંનો હોવાનું માનવામાં આવે છે. તેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાણાંવાણાંને વણતા પહેલાં અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે. એક પટોળું બનાવતા ચાર માણસો સાથે કામ કરે તો ચારથી છ મહિના જેટલો સમય લાગી જાય છે. જોકે આ પટોળાંમાં જે ડિઝાઇન બનાવવામાં આવે છે તે રેસમના તારથી બનાવવામાં આવે છે. આ પટોળું બંને બાજુએ પહેરી શકાય છે. પટોળાં ગુજરાત અને ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણું લોકપ્રિય છે.
પટોળાં સાડી ગુજરાતમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. પરંપરાગત રીતે ખાસ પ્રસંગોએ મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે, ઘણીવાર લગ્નો, તહેવારો અને મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ જેવી ઉજવણીઓ સાથે સંકળાયેલું છે. સાડીએ લાવણ્ય, વારસો અને સંસ્કારિતાનું પ્રતીક છે. પટોળું ગુજરાતની સદીઓ જૂની વણાટ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. તેની જટિલ ડિઝાઇન, ઉદ્યમી ઉત્પાદન પ્રક્રિયા અને સમૃદ્ધ સાંસ્કૃતિક મહત્વ તેને વિશ્વના સૌથી કિંમતી કાપડમાંથી એક છે.