નવી પેઢીએ પરંપરાગત ભરતકામ પર હાથ અજમાવ્યો ભાવનગર :ગુજરાતની કેટલીક કલા ધીરે-ધીરે વિસરાતી જાય છે. પરંતુ કેટલીક હાથની કળાઓને આજે પણ જીવંત રાખવામાં આવી છે. કચ્છના રબારી સમાજની સંસ્કૃતિને જીવંત રાખવાનો એક પ્રયત્ન ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા કરવામાં આવ્યો હતો. અહીં કચ્છી રબારી સમાજની ભરતકામ કલાનો વિશેષ વર્કશોપ યોજાયો હતો. જેમાં ખાસ કચ્છથી આવેલ મહિલા કારીગરોએ ફેશન ડિઝાઈનીંગની વિદ્યાર્થિનીઓને ભરતકામના પાઠ શીખવ્યા હતા.
યુવા પેઢીએ શીખી કચ્છની કલા :ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજમાં ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વર્ષો જૂની કલાથી અવગત થવાનો લ્હાવો મળ્યો હતો. ફેશન વિભાગના આચાર્ય શ્રદ્ધા મકવાણાએ જણાવ્યું હતું કે, સ્ટુડન્ટને બધી જગ્યાએ સિલેબસનું શીખવાડતા હોય છે. ત્યારે આ વર્કશોપનું આયોજન કરવાનો ખાસ હેતુ એ છે કે સિલેબસ બહારનું પણ કંઈક વિદ્યાર્થીઓ શીખે. આ વર્કશોપમાં કચ્છથી આવેલા કારીગરો પાસે એમ્બ્રોડરી ડિઝાઇન શીખશે. કચ્છથી લક્ષ્મીબેન અને એમની ટીમને બોલાવ્યા છે. જે લોકો અહીંયા આવીને હેન્ડમેડ બેગ ડિઝાઇનિંગ કરાવવાના છે. હેન્ડબેગમાં એમ્બ્રોડરી કઈ રીતે થઈ શકે અને એની ડિમાન્ડ શું છે તે સમજાવી અને એમ્બ્રોડરીનો કોન્સેપ્ટ મૂકીને વિદ્યાર્થીઓ પાસે આખી હેન્ડમેડ બેગ તૈયાર કરાવાના છીએ.
કચ્છના રબારી સમાજનું ભરતકામ કચ્છના રબારી સમાજનું ભરતકામ :ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજમાં ફેશન ડિઝાઇનીંગની વિદ્યાર્થિનીઓને ફેશન ક્ષેત્ર નવી કલા અને નવા આઈડિયા મળી રહે એ માટે કચ્છની ખાસ એક ટીમ રબારી સંસ્કૃતિની એમ્બ્રોડરી શીખવવા બોલાવવામાં આવી છે. કચ્છથી આવેલા લક્ષ્મીબેને જણાવ્યું હતું કે, કચ્છી રબારી એમ્બ્રોડરી આમ તો ઠેર ઠેર જોવા મળે છે. પણ કચ્છનું જે વર્ક છે એ ક્યાંય બહાર જોવા મળતું નથી. હવે વધારે મશીન વર્ક થઈ ગયું છે. તેના માટે હેન્ડ વર્કથી આ બધું કરવામાં આવે છે.
કચ્છની હેન્ડીક્રાફ્ટ કલા :લક્ષ્મીબેન વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ એક હબ છે જ્યાં બોવ બધા હેન્ડીક્રાફ્ટ ચાલતા હોય છે. અહીં આહીર, રબારી અને પટેલ સમાજની કલા છે. પરંતુ રબારી લુક કે એનું આખું અલગ લુક આપે છે, જે હેન્ડીક્રાફ્ટની છે. કચ્છમાં અમારી રબારી એમ્બ્રોડરી છે. તેમ અલગ અલગ પ્રકારની ડિઝાઇન જોઈએ તો ઉંટની હોય, પાણીની હેલ લઈ જતી હોઈ, મૈયારણ હોઈ તેના પરથી અમારી ડિઝાઈનો પડતી હોય છે. જોકે પોતે સાંસ્કૃતિક વારસો બચાવી રાખવા માટે અમે આવનારી પેઢીને શીખવાડવા માટે આવ્યા છીએ.
- Kutch News : અમેરિકાના દંપતિ દ્વારા કચ્છી હસ્તકળાના અદભૂત નમૂનાઓ કચ્છના LLDC મ્યુઝિયમને સોંપવામાં આવ્યાં
- Nirmala Sitharaman Saree : નાણા પ્રધાને ધારવાડ એમ્બ્રોઇડરી આર્ટ સાડી પહેરીને કેન્દ્રીય બજેટ રજૂ કર્યું