ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદી આવ્યા તો સ્થાનીક ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે કરી નાખ્યા હેરાનઃ 'પ્રોટોકોલ તોડ્યો'

એક સ્થાનિક ધારાસભ્ય વડાપ્રધાનને કેમ ન મળી શકે?: ચૈતર વસાવા

વડાપ્રધાન મોદી-ધારાસભ્ય ચૈતર વસાવા
વડાપ્રધાન મોદી-ધારાસભ્ય ચૈતર વસાવા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

નર્મદા: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે દેશના ઘડવૈયા સરદાર પટેલની 150મી જન્મજયંતિ હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા નર્મદા જિલ્લામાં એકતા પરેડ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા આવ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીને મળવા માટે અમારી કમિટીએ 10 મિનિટનો સમય માંગ્યો હતો. પ્રોટોકોલ પ્રમાણે કોઈપણ સરકારી કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યને સૌથી પહેલા આમંત્રણ આપવું પડે. પરંતુ વહીવટી તંત્રએ અમને આમંત્રણ ન આપીને પ્રોટોકોલ તોડ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને અમે કેટલીક મહત્વપૂર્ણ વાતો રજૂ કરવાના હતા.

તેમણે કહ્યું કે, અમારી રજૂઆત હતી કે, નર્મદા પરિયોજના બાદ 246 વસાહતો બની હતી અને ગુજરાતના 3322 પરિવારો વિસ્થાપિત થયા. આ તમામ ખાતેદારોના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ એ પરિવારોમાંથી એક પણ વ્યક્તિને સરકારી નોકરી મળી નથી. સરકારે વાયદો કર્યો હતો કે જમીન સામે જમીન મળશે પરંતુ તે લોકોને પણ જમીન મળી નથી. સાથે સાથે નર્મદાના વિસ્થાપિતોને નર્મદાની વીજળી અને નર્મદાનું પાણી મફતમાં આપવાની વાત કરવામાં આવી હતી તે પણ આજે મળી નથી રહ્યું. સાથે સાથે આટલો મોટો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે પ્રોજેક્ટ બન્યો છે, તેમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી. કેવડિયામાં 73AAની જમીનો અધિકારીઓએ પોતાના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને પ્લોટમાં ફાળવી આપ્યાં છે.

તેમણે ઉમેર્યું કે, આવી અનેક સમસ્યાઓ મુદ્દે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાના હતા. પરંતુ સરકારના અધિકારીઓ અને સરકારી લોકોની પોલ ખુલી જાય તેના લીધે આજે અમને આમંત્રણ પણ નથી આપવામાં આવ્યું અને અમને કેવડિયા પણ નથી જવા દેવામાં આવતા. ગઈકાલથી જ અમારા ઘરે અને તમામ અમારા લોકોના ઘરે પોલીસ ઊભી કરી દેવામાં આવી છે. આ ક્યાંનો ન્યાય છે? તો એક સ્થાનિક ધારાસભ્ય વડાપ્રધાનને કેમ ન મળી શકે? એક બાજુ ગુજરાત મોડલ આખા દેશ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને બીજી બાજુ ગુજરાતના આદિવાસીઓ સાથે ભેદભાવ થાય તો તેને અમે ક્યારેય પણ સાંખી લેવાના નથી. આજે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં અમને આમંત્રણ આપવામાં આવ્યું નથી આ મુદ્દા પર અમે જિલ્લા સંકલન સમિતિમાં સવાલ પૂછીશું અને કોર્ટમાં પણ જઈશું અને અમને વડાપ્રધાન સાથે મળવા નથી દીધા તેનો પણ અમે ખુલાસો માંગીશું.

તેમણે અન્ય સમસ્યાઓ અંગે વાત કરતા કહ્યું કે, આ વિસ્તારની શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓમાં ઓરડાઓ નથી, નર્મદાનું સિંચાઈનું પાણી નથી, વીજળી નથી, દવાખાનાઓમાં સાધનો અને ડોક્ટરો પણ નથી. આટલી સમસ્યાઓ બાદ પણ જો નરેન્દ્ર મોદી અમારા વિસ્તારમાં આવતા હોય અને અમને મળવા પણ ન દેવામાં આવે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે વહીવટી તંત્ર અમલધારક શાસન ચલાવે છે તેવું સાબિત કરવા માંગે છે. પરંતુ દેશના સંવિધાનને બચાવવા અને દેશની લોકશાહીને બચાવવા અમારી લડત ચાલુ રહેશે. આવનારા સમયમાં આદિવાસી લોકો સાથે જ્યાં પણ અન્યાય થશે ત્યાં ચૈતર વસાવા અને તેમની ટીમ છેલ્લા શ્વાસ સુધી લડશે. આજે સરદાર પટેલ સાહેબને જન્મજયંતિ પર અમે નમન કરીએ છીએ અને આજના શુભ દિનની સર્વે લોકોને અમે શુભકામનાઓ પાઠવીએ છીએ.

  1. PM મોદીએ કચ્છ બોર્ડરે સેના સાથે દિવાળીની ઉજવણી કરી, જવાનોને મિઠાઈ પણ ખવડાવી
  2. ઘરની સુંદરતા વધારતા નકલી ફૂલોનું બજાર નરમ, મનમોહક કરે પણ વેપાર કરાવે નહીં

ABOUT THE AUTHOR

...view details