નર્મદા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં બોલિવુડ સુપરસ્ટાર અને પ્રોડ્યુસર, દિગદર્શક ખાસ આમિર ખાન ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આમિર ખાને ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન કાર્યક્રમ બાદ અભિનેતાએ SoUADTGAના ચેરમેન તથા સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર સાથે પ્રતિમા નિહાળવા ગયા હતા અને સરદાર પટેલની પ્રતિમા જોઈને અભીભૂત થયાં હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ અભીભૂત થયેલા અભિનેતા આમિર ખાને વિશ્વવન ખાતે મીડિયાના મિત્રો સાથે વાતચીત કરી હતી અને દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી, આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તેઓ આગામી ફિલ્મ સિતારે જમીન પરના શૂટિંગ માટે ગુજરાતમાં જ છે, મહત્વપૂર્ણ છે કે, પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પરને લઈને આમિર ખાન નર્મદાની મુલાકાતે છે.
વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાની ભાવ વંદના કરીને અભિભૂત થયેલા આમિરખાને વડાપ્રધાન નરેન્દ્રમોદીનાં ડ્રિમ પ્રોજેક્ટની ભરપૂર પ્રશંસા કરી હતી, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલની વિશાળ અદભુત પ્રતિમા જોઈને તેમના રુવાડા ખડા થઇ ગયા એમની પ્રતિમા જોઈને તેમના મુખમાંથી વાહ જેવા ઉદ્દગાર સરી પડ્યા હતા, તેમણે નર્મદા જિલ્લામાં જયારે શૂટિંગ માટે પધારેલા ત્યારે તેની જૂની યાદો પણ તાજી કરી હતી અને ફરી વખત પોતાના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.