કોલકાતા: પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના પદમપુકુર રેલ્વે સ્ટેશન પાસે રવિવારે ટ્રેન અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પાર્સલ વાન અથડાયા બાદ તિરુપતિ એક્સપ્રેસના બે ખાલી ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અંગે સાઉથ ઈસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, હાવડા સ્ટેશનથી થોડા અંતરે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી.
તેમણે જણાવ્યું કે ટ્રેનના ખાલી કોચને પદ્મપુકુરથી શાલીમાર યાર્ડ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે પાર્સલ વાન કોચ સાથે અથડાઈ, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. અધિકારીએ જણાવ્યું કે, પાટા પરથી ટ્રેન ઉતરી જવાની ઘટના ત્યારે સામે આવી જ્યારે પાર્સલ વેન પદ્મપુકુર સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનના બે ખાલી કોચ સાથે અથડાઈ ગઈ. જેને રેલવે સાઈડિંગમાં લઈ જવામાં આવી રહ્યાં હતાં.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંદર્ભે વધુ તપાસ કરવામાં આવી રહી છે કે, પાર્સલ વેન કોચના રસ્તામાં અધવચ્ચે કેવી રીતે આવી ગઈ ? અને ટ્રેક ચેન્જ થવા સમયે ખાલી કોચ સાથે અથડાઈ ગઈ અને શું પાર્સલ વેનના ચાલકે સિગ્નલની અવગણના કરી હતી ? તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ મોટી દૂર્ઘટના નથી અને શાલીમાર-સંતરાગાછી માર્ગ પર રેલ પરિવહન માત્ર 20 મિનિટ માટે જ આંશિક રીતે ખોરવાયો હતો.
તેમણે જણાવ્યું હતું કે, પદ્મપુકુર નજીક સાઈડિંગ લાઇન પર બે ખાલી કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને તેની અડીને આવેલો મુખ્ય ટ્રેકનો એક ભાગ અવરોધાયો હતો, જેનાથી રેલ ટ્રાફિક આંશિક રીતે ખોરવાયો હતો, તેમણે કહ્યું કે પાટા સાફ કરવા અને રેલ ટ્રાફિકને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, "આ કોચને સાઈડિંગ પર લઈ જવામાં આવી રહ્યા હતા અને કોઈ ખાસ લાંબા અંતરની ટ્રેન સાથે જોડાયેલા ન હતા."