ગાંધીનગર:ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન 2025-26” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ.2425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે છે. જેના ભાગરૂપે તા. 13 જાન્યુઆરીની સ્થિતિએ રાજ્યભરમાંથી 33,863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલુ છે.
કઈ તારીખથી ઘઉંની ખરીદી શરૂ થશે?
રવિ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત આગામી તા.1લી માર્ચથી ઘઉંની ખરીદી કરવામાં આવશે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા 194 ખરીદ કેન્દ્રો અને જે જિલ્લાઓમાં વધારે નોંધણી થઈ હોય અને ગોડાઉન ખાતે પૂરતી સંગ્રહશક્તિ ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ APMC ખાતે 20 નવા ખરીદ કેન્દ્રો એમ કુલ 214 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે.
રજીસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજો આપવા પડશે?
આ ઓનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે.