રાજકોટ: ઓફિસોમાં કર્મચારીઓ આરામ ફરમાવતા હોય એવા વિડિયો ઘણી વખત સોશિયલ મીડિયામાં ફરતા હોય છે. ત્યારે રાજકોટ PGVCLની કસ્ટમર કેર સેન્ટરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગ્રાહકો ફરિયાદ માટે PGVCLના કસ્ટમર કેર ઓફિસમાં ફોન કરતા હોય છે, પરંતુ તેમનો ફોન ઉઠાવવામાં ન આવતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. ત્યારે રાત્રિના સમયે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓ એક સાથે ખુરશી ઉપર સૂતા હોય તેવો વીડિયો વાયરલ થતા જ આ મામલે તપાસના આદેશ અપાયા છે.
PGVCL કસ્ટમર કેરનો વિડિયો વાયરલ:સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના કનક રોડ પર આવેલ PGVCL કચેરીમાં કસ્ટમર કેરમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જે મામલે PGVCLના જુનિયર એન્જિનિયર એ.સી.ધડુકે જણાવ્યું હતું કે, કસ્ટમર કેર સેન્ટરનો રાત્રિનો વીડિયો સામે આવ્યો છે. જો કે, આ વીડિયો કઈ તારીખનો છે તે હજુ ખ્યાલ નથી. આ બાબતે અમારા ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ પગલાં લેવામાં આવશે.