બનાસકાંઠા:ગત 13 નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. ભાજપ સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજી પટેલ સહિત આ ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે, જેઓના ભાવિનો આજે ફેંસલો થઈ રહ્યો છે.
પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. જોવાનું રસપ્રદ રહેશે કે વાવની જનતા ક્યા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે છે.
ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાનમાં (Etv Bharat Gujarat) વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ
વાવ વિધાનસભાના કુલ 179 ગામોના 321 બુથ પર વાવ આ મહિનાની 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું અને અંદાજિત 70% જેટલું મતદાન થયું હતું.વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો નોંધાયા હતા. તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને દલિત સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
કોંગ્રેસના ઉમેદાવાર ગુલાબસિંહ રાજપૂત (Etv Bharat Gujarat) કોણ છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબ સિંહ રાજપૂત ?: ગુલાબસિંહ રાજપુત થરાદના પૂર્વ ધારાસભ્ય છે. ગુલાબસિંહ સુઈ તાલુકાના અસારવા ગામના વતની છે, તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે અને વર્ષ 2019માં ગુલાબ સિંહ થરાદ બેઠક પર જીત્યા હતાં. ગુલાબ સિંહ યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે તેમજ વર્ષ 2022માં થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતાં.
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર (Etv Bharat Gujarat) ભાજપના સ્વરૂપજી ઠાકોરનો પરિચય
વાવ વિધાનસભાની બેઠક પર ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા. સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.
અપક્ષ ઉમેદવાર માવજી પટેલ (Etv Bharat Gujarat) અપક્ષ ઉમેદવાર માવજી પટેલ?
વાવ તાલુકાના આકોલી ગામના વતની માવજી પટેલ પહેલા વાવ અને થરાદ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. માવજી પટેલ પહેલા 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં પણ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 1990માં જનતા દળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ પણ ધરાવે છે. તેઓ અગાઉ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા. તેઓ થરાદ બેઠક પરથી એકવાર અપક્ષ તરીકે પણ ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી. માવજીભાઈ પટેલને ચૌધરી પટેલ સમાજનું ભારે સમર્થન મળ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે. ખુદ માવજી પટેલ વાવ વિધાનસભામાં આવતા ઘણા ગામડાઓમાં જઈને પ્રચાર પણ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી આથી નારાજ થયેલાં માવજી પટેલે ભાજપ સાથે બળવો કરીને અપક્ષ માંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યુ હતું, બીજી તરફ માવજી પટેલને મનાવવા માટે ભાજપ દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતાં.
અપક્ષ ઉમેદવાર મનોજ પરમાર
પરમાર મનોજભાઈ રાણાભાઇ કે જેઓ વકિલ અને સામાજિક કાર્યકર છે, તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તેમજ તેમણે બહુજન સમાજ પાર્ટી વર્ષ 2018માં માડકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા અને વર્ષ 2022માં વાવ વિધાનસભામાંથી તેમના બહેને ઉમેદવારી નોંધાવી હતી અને તેમને ચૂંટણી લડાવ્યા હતા. પરમાર મનોજભાઈએ કરેલા સામાજિક કાર્યોની વાત કરીએ તો, વાવ તાલુકા પંચાયતમાં પૂરતો સ્ટાફ પૂરો કરાવ્યો, ગ્રામ પંચાયતોમાં તલાટીઓની કાયમી નિમણૂંક કરાવી, વાવ વિધાનસભામાં દલિત સમાજના લોકોના વાળ કાપવામાં આવતા ન હતા. જેને આંદોલન થકી ચાલુ કરાવ્યા. ઠાકોર સમાજની વિકલાંગ દિકરીઓને આરોગ્યને લગતી સુવિધા પૂરી કરાવી તેમજ પાકું ઘર બનાવવામાં મદદ કરી. વાવ વિસ્તારમાં સરકારી યોજનાનો લાભ અપાવ્યો, ગરીબ અને વંચિત સમાજના લોકોને આવાસ યોજનાઓના લાભ અપાવ્યા, સિંચાઇ માટે પાણી, પીવા માટે પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પૂરો કરાવ્યો, રોડ રસ્તાનું કામ પણ માર્ગ અને મકાનના મંત્રીને રૂબરૂ મળીને પૂરા કરાવ્યા, જેવા અનેક લોક હિતના કાર્યો કર્યા છે.
વર્ષ 2022માં વાવ વિધાનસભાનું પરિણામ
વાવ વિધાનસભા બેઠકના વર્ષ 2022 ના પરિણામ જોઈએ તો આ ચૂંટણીમાં 6 ઉમેદવારો ઉભા રહ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી સરદારજી, અમીરમભાઇ આશલ, શાંતિભાઇ રાઠોડ, નયનાબેન પરમાર અને ભેમજીભાઇ પટેલ ચૂંટણી લડી હતી. જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા. તથા ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી સરદારજીને 86,912 મત મળ્યા હતા. જેમાં તેઓ 15,601 લીડથી આગળ રહ્યા હતા.
- વાવ વિધાનસભા પેટા ચૂંટણી: વાવ બેઠક પર 70%થી વધુ મતદાન, ઉમેદવારોના ભાવિ EVM માં થયા કેદ
- કોણ બનશે 'વાવનો વિજેતા', આવતીકાલે ખરાખરીનો જંગ, જાણો ઉમેદવારોના જીતના દાવા સાથે શું કહે છે મતદારો...