વડોદરા:જિલ્લાના ગ્રામ્ય તથા આસપાસના વિસ્તારોમાં ખનીજની સંપદા વિપુલ પ્રમાણાં આવેલી છે. પરંતુ તેનું ગેરકાયદેસર ખનન તંત્ર અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બની રહ્યું છે. તેથી વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓની કમર તોડવા માટે મુખ્યમંત્રી સુધી રજુઆતો કરવામાં આવી હતી. જેના કારણે વિવિધ વિસ્તારોમાં ટીમો બનાવી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના પ્રથમ દિવસે તંત્ર દ્વારા કામગીરી આરંભી દીધી હતી.
વડોદરા ખાણ ખનીજ વિભાગની કચેરીની કેબીનો ખાલીખમ: વડોદરાના સાંસદ હેમાંગ જોશી દ્વારા મુખ્યમંત્રીને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે વહીવટી તંત્ર કામે લાગીને ચોપડે કામગીરી બતાવી દીધી. પરંતુ સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ ખાન ખનીજ વિભાગની કચેરીમાં ફરજ ઉપરના કર્મચારીઓ કેબિનોમાં નજરે પડ્યા ન હતા અને આ કર્મચારીઓ હાલ ક્યાં ફરજ બજાવી રહ્યા છે? એ તો કોને ખબર? અધિકારીઓ પોતાની બિન્દાસ ગિરિમાં જ પોતાની ફરજ બજાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ઉપરાંત આમને આમ લાઈટ અને પંખામાં બિલ આવતા પ્રજાના રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેમ નજરે પડ્યું હતું. આ ભૂમાફિયાઓને અધિકારીઓના આશીર્વાદ ફળ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ ભૂમાફિયાઓ માત્ર દંડની રકમ પાઠવીને સંતોષ માનતા હોય છે. પરંતુ આ જ ભૂમાફિયાઓ ફરી એની એ જ પરિસ્થિતિનું પુનરાવર્તન કરતા હોય છે. ખાણ ખનીજના અધિકારીઓ આ ભૂમાફિયાઓ સામે કેમ કડક કાર્યવાહી આરંભતા નથી? કેમ આ ભૂમાફિયાઓ સામે કડકમાં કડક સજા ફટકાડતા નથી? જે સવાલો ઊભા થઈ રહ્યો છે.