ગાંધીનગર :આજે 22 ઓક્ટોબર, મંગળવારના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક દિવસીય ગુજરાત પ્રવાસે છે. સાથે જ આજે અમિત શાહનો જન્મદિવસ પણ છે. અમિત શાહ આજરોજ ગુજરાતમાં આણંદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
ગુજરાત પ્રવાસે અમિત શાહ :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના એક દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત આણંદથી થશે. આણંદમાં સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની (NDDB) ડાયમંડ જુબેલી સેલિબ્રેશન કાર્યક્રમમાં અમિત શાહ અધ્યક્ષ સ્થાને છે. ઉપરાંત ત્રિભોવન પટેલના જન્મજ્યંતી સમારોહમાં તેઓ પણ ઉપસ્થિત રહેશે. આ તકે કેન્દ્રીય પ્રધાન રાજીવ રંજનસિંહ તેમજ CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિતિ હશે.
ગૃહપ્રધાનના ગાંધીનગરમાં કાર્યક્રમો :આણંદ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 14મું અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક સંમેલનનું આયોજન કરાયું છે, જેમાં અમિત શાહ મુખ્ય મહેમાન હશે. ઉપરાંત ગાંધીનગર ખાતે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિધાનસભા ગૃહમાં સંબોધન કરશે.
નવા કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત :ગાંધીનગર સેક્ટર 8 માં સમર્પણ કોલેજની બાજુમાં ભાજપના નવા કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અધ્યક્ષ સ્થાને હશે. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તથા પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહેશે.
શિષ્યવૃતિ વિતરણ કાર્યક્રમ :આ ઉપરાંત નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંતર્ગત 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ડિજિટલ માધ્યમથી DBT દ્વારા શિષ્યવૃતિ વિતરણ કરવામાં આવશે, આ કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે.
- રશિયાની મુલાકાતે વડાપ્રધાન મોદી, કહ્યું- ભારત બ્રિક્સને ખૂબ મહત્વ આપે છે
- ગુજરાતના વિદ્યાર્થીઓ AIBE ની પરીક્ષા આપી શકશેઃ હાઈકોર્ટે કર્યા હુકમ