અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2022ની ચૂંટણીમાં 156 ધારાસભ્યો સાથે બીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા. 12 ડિસેમ્બર એટલે કે આજ રોજ તેમની આ ટર્મના બે વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2021માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ સૌના આશ્ચર્ય વચ્ચે ઘાટલોડિયાથી પહેલી વાર ધારાસભ્ય બનનાર ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા હતા.
મૃદુ અને મક્કમ છાપ ધરાવતા મુખ્યમંત્રી પટેલના વિકાસ કાર્યો છે ચર્ચામાં
વર્ષ 2021માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ, સૌના આશ્ચર્ય વચ્ચે ઘાટલોડિયાથી પહેલી વાર ધારાસભ્ય બનનાર ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા. સૌને લાગતું હતુ કે, 2022 ની ચૂંટણી બાદ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી આવશે. પણ 2022માં ભાજપે 156 બેઠકો જીતી વિક્રમ સ્થાપ્યો જેનો શ્રેય પણ ભૂપેન્દ્ર પટેલને મળે છે.
2022 બાદ બીજી વાર મુખ્યમંત્રીના શપથ લેનાર ભૂપેન્દ્ર પટેલે વિકાસ માટે સુચારુ નીતિ નિર્માણ કરી. જેમાં ખરીદ નીતિ, નારી ગૌરવ નીતિ, ગુજરાત ટેક્સટાઇલ નીતિ, નવી આઈટી પોલિસી, ગુજરાત એનર્જી પોલીસી વગેરે. નીતિ નિર્માણ બાદ રાજ્યનું બજેટ વિક્રમજનક રકમનું રુપિયા 3.32 લાખ કરોડનું બનાવી વિકાસ કાર્યને ગતિ આપી. શહેરીકરણના સુચારુ આયોજન માટે નવી 9 મહાનગરપાલિકા અને એક નગરપાલિકા રચવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું. કુલ 2.82 ઘરો પર સોલર પેનલ લગાવવામાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું. ખેડૂતોને દિવસે વીજળી મળી રહે એ માટે 76 ટકા ગામોને આવરી લેવાયા. રાજ્યના 9.85 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી હેઠળ આવરી લેવાયા.
સેવા, સંકલ્પ અને સમર્પણના નારાથી ઉજવાયા ભૂપેન્દ્ર પટેલ સરકારના બે વર્ષ
ભૂપેન્દ્ર પટેલે 2 વર્ષના શાસનના 10 મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જે અંતર્ગત રાજ્યમાં 45 લાખ કરોડના MOU થયા છે. આ સાથે રાજ્યમાં 17મી G-20 સમિટનું પણ આયોજન થયું હતુ. યુનેસ્કોએ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. બિઝનેસ સ્ટેટ તરીકે જાણીતા ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સ્તરે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ટોપના સ્થાને છે. દેશમાં રોજગારી આપવામાં પણ ગુજરાત મોખરે છે એવો દાવો રાજ્ય સરકાર કરે છે. ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ માં ગુજરાત અગ્રેસર છે. તો સામે વિકાસની વિરોધિતા એ છે કે, રાજ્યના 2.68 કરોડ લોકો શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજનનો લાભ મેળવે છે. વિકાસના નામે લાખો કરોડો ખર્ચાય છે, છતાં ગુજરાતના અનેક લોકો ગરીબાઈ, અલ્પ વિકાસ અને અસમાનતા હેઠળ જીવે છે એ પણ હકીકત છે.
ગુજરાતમાં નકલીની બોલબાલા
ગુજરાતનો વિકાસ થયો એ ભૂપેન્દ્ર પટેલ સરકાર સતત કહેતી આવી છે. પણ વાસ્તવિકતા એ પણ છે કે ગરીબો અને મધ્યમ વર્ગની હાડમારી વધી છે. ખાનગીકરણના કારણે શિક્ષણ અને તાલીમ સતત મોંઘી બનતી ગઈ છે. તો શહેર હોય કે ગામ પોતાનું મકાન બનાવવું એ જીવન ભરનો પડકાર બન્યો છે. છેલ્લા બે વર્ષમાં જાહેર પરિવહન હોય કે જાહેર સલામતી હોય એ બંનેની સ્થિતિ કફોડી બની છે. જેના કારણે રસ્તા પરના અકસ્માતો વધ્યા છે, તો જાહેરમાં હત્યા અને હિંસક ગુના આચરતા અસામાજિક તત્વોને કોઈની બીક લાગતી નથી એવું લાગે છે. સરકારી તંત્રમાં કામ કરાવવા માટે નાગરિકોને લાઈનમાં ઊભા રહેવું પડે છે તો સર્વર ઠપ્પ થવાના સમાચારો સામાન્ય બન્યા છે. લાંચિયા અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ બેફામ બન્યા છે એવું રાજ્યના નાગરિકો સતત અનુભવે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં નકલી સિંચાઈ ઓફિસ, નકલી ED ઓફિસર, નકલી પોલીસ અધિકારી કે IAS ઓફિસર બની ધુતારાઓ પ્રજાને લૂંટી રહ્યા છે. NEET નું પેપર લીક થાય છે તો સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા પણ મુલતવી રાખવી પડે એવી સ્થિતિમાં સરકાર મુકાઈ છે. નાગરિકો મને છે કે રાજ્યમાં વિરોધ પક્ષ નથી સરકારને પ્રશ્ન પૂછે એવી વિરોધ પક્ષની સંખ્યા નથી એ કારણે સરકારની જવાબદેહી ઓછી થતી ગઈ છે.
સ્વચ્છ છબી ધરાવતા CM પટેલ હવે સખ્ત બને એ સમયની માંગ
ભૂપેન્દ્ર પટેલ પાસે આજે વિધાનસભામાં ઐતિહાસિક બહુમતી છે. 2024 ની લોકસભામાં પણ 25 બેઠકો જીત્યા છે, ત્યારે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે સખ્ત અને કડક બને એ સમયની માંગ છે. દર વર્ષે વરસાદથી બેહાલી ભોગવતા નાગરિકો માટે લાઈક નક્કર કરવાનો સમય છે. રાજ્યના દરિયા કિનારે અને ઔદ્યોગિક એકમોની મળતા ગેરકાયદેસર હજારો કરોડના ડ્રગ્સ એ સરકાર માટે પડકાર છે. રોજે રોજ ડ્રગ્સ, દારૂ અને ગેરકાયદેસર વસ્તુઓ રાજ્યથી સતત પકડાય છે. પણ સાચો ગુનેગાર હાથમાં આવતો નથી. CM ભૂપેન્દ્ર પટેલની સરકારે ડ્રગ્સ મુદ્દે હજુ વધુ સખ્ત પગલાં લેવા જરૂરી છે જેથી ગુજરાતની યુવા પેઢી આ દૂષણથી બચી શકે. જાહેરમાં કાયદો વ્યવસ્થાનો ભંગ કરનાર ભાજપના જ નેતા, તરીકે કાર્યકરો ને પણ સંયમિત કરવા આવશ્યક છે. જાહેરમાં હત્યા અને શાંતિ ભંગ કરનાર સામે હજી સરકાર કાચી પડે છે જાહેર માર્ગ પર સતત થતાં જીવલેણ અકસ્માત, સતત વધતો ભ્રષ્ટાચાર એ મોટી સમસ્યા બની છે. રાજ્યમાં સરકારી યોજનાના નામે થતી છેતરપિંડી રોજના સમાચાર છે તો હરણી બોટ કાંડ, રાજકોટ ગેમઝોન કાંડ કે, મોરબી પૂલ દુર્ઘટનાના સાચા આરોપીઓને સજા કરી દેશ અને સમાજમાં દાખલો બેસાડવો એ આવશ્યક છે. 2 વર્ષ પૂર્ણ થયા ભૂપેન્દ્ર પટેલે પાસે હજી ત્રણ વર્ષનો સમય છે પ્રજાને વિકાસ સાથે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અને વહીવટી તંત્ર જોઈએ છે એ આપજો.
આ પણ વાંચો:
- અમદાવાદમાં ગુરુદેવ રાકેશજીની 20 વર્ષની પધરામણી નિમિત્તે કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી
- અમદાવાદના ગોતામાં રાજપૂત વિદ્યાસભા દ્વારા સમૂહલગ્ન, 30 નવયુગલે પ્રભુતામાં પગલા પાડ્યા, CMએ આપ્યા આશીર્વાદ