બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરમાં સરકાર દ્વારા જંત્રીમાં ભાવ વધારો કરાતા આજે બિલ્ડરો રસ્તા પર ઉતર્યા હતા. અને મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જેમાં બિલ્ડરો દ્વારા જંત્રીનો નવીન ભાવ વધારો મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના: સરકાર દ્વારા તાજેતરમાં જંત્રીના ભાવમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. જંત્રીના ભાવમાં 100 ગણો જેટલો વધારો કરાયો હોવાનો વિરોધ જતાવી પાલનપુર સહિત જિલ્લાના બિલ્ડરો અને મકાન તેમજ વિવિધ મટીરીયલ સાથે સંકળાયેલા લોકો મૌન રેલી યોજી પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. સરકાર દ્વારા તાજેતરમાં જંત્રીના ભાવમાં કરાયેલા વધારાને મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી હતી.
10 થી 20 ટકા જેટલો જંત્રીનો વધારો: કલેકટર કચેરીએ કરાયેલી રજુઆતમાં જંત્રીના ભાવમાં વધારો થતા માત્ર બિલ્ડરો જ નહીં, જમીન તેમજ મકાન લેનારા લોકોને પણ મોટી અસર થશે. બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રીનો ભાવ ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો કરી દેવામાં આવ્યો હોવાની રજૂઆત કરાઈ છે. તેમણે કહ્યું કે 10 થી 20 ટકા જેટલો જંત્રીનો વધારો થાય તો પોસાય તેમ છે જોકે આટલો મોટો ભાવ વધારો સરકારે એક સાથે કરવો ન જોઈએ. આટલા જંત્રીના ભાવ વધારાથી મકાનો અને જમીનોની કિંમતો ખુબ જ ઉચકાશે. જે કોઈને પોસાય તેમ નહિ. જેથી હાલમાં આ ભાવ વધારો મોકૂફ રાખવામાં આવે તેવી તેમને માંગ કરી છે. સાથે જ આગામી દિવસોમાં જો સરકાર દ્વારા જંત્રીના ભાવને મોકૂફ રાખવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ તેમને ચીમકી ઉચ્ચારી છે.
જંત્રીના ભાવ વધારાને લઈને આદોલન: બિલ્ડર એસોસિએશન દ્વારા કહેવાયું કે સરકારના નવીન જંત્રીના ભાવ વધારાને લઈને બિલ્ડરો રસ્તા પર ઉતર્યા છે અને સરકારના જંત્રીના ભાવ વધારા સામે પોતાનો મોરચો માંડ્યો છે. બિલ્ડરો સાથે મકાન બનાવવા માટે વિવિધ મટીરીયલ્સનું વેચાણ કરતા વેપારીઓ અને મજદૂર કારીગરોને પણ આ ભાવ વધારાના કારણે સીધી અસર થશે. જેથી તેમની પણ રોજગારી છીનવાય તેવી સ્થિતનું નિર્માણ થઈ શકે છે.
ગુજરાત સરકાર દ્વારા નવીન જંત્રીના ભાવમાં કરાયેલા વધારા મુદ્દે હવે બિલ્ડરો સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમજ હાલમાં આ ભાવ વધારો મોકૂફ રાખવાની પણ માંગ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા બિલ્ડરોની આ માંગને લઈ આગામી દિવસોમાં કોઈ નિર્ણય લેવાય છે કે પછી આ ભાવ વધારાને લાગુ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: