કચ્છ: પ્રવાસન ક્ષેત્રે હબ બની ચૂકેલા કચ્છમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. જેમાં રાજાશાહી સમયમાં ખુબ જ મહત્વ ધરાવતા સ્થાપત્યોની જાળવણી નહીં થતા આજે દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ભુજમાં આવેલ છતરડી, ફતેહમામદનો ખોરડો ,રામકુંડ, ભુજીયો કિલ્લો, જ્યુબીલી હોસ્પિટલ જેવા અનેક હેરિટેજ અને ઐતિહાસિક સ્થળો આજે જાળવણી ઝંખે છે.
ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થળો આજે ઝંખે છે જાળવણી: પર્યટક સ્થળ તરીકે જાણીતા બનેલા ભુજમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. આ ઐતિહાસિક સ્થળો અનેક દાયકાઓથી ઐતિહાસિક વારસો ધરબીને બેઠા છે. પરંતુ આ ઐતિહાસિક સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તેમજ તેની જાળવણી કરવું અનિવાર્ય બન્યું છે.
450 વર્ષ જુનો ઐતિહાસિક કિલ્લો: ભુજમાં આવેલા ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળો દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે. ભુજમાં આવેલો ભુજીયો કિલ્લો રાજાશાહી સમયમાં ખુબ જ મહત્વ ધરવતો હતો. રાજય સરકાર 450 વર્ષ જૂના ઐતિહાસિક કિલ્લાની જાળવણી કરવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે આજે ભુજીયો કિલ્લો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પોલીસ સ્ટેશન પાસે જ્યુબીલી હોસ્પીટલની હાલત પણ ખંડેર જેવી જ છે. અહીં વર્ષોથી બાવળનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. વર્ષ 2001ના ધરતીકંપમાં આ જગ્યા ક્ષતિગ્રસ્ત થઈ હતી. જેને રાજ્ય સરકારે ભૂકંપની સ્મૃતિરૂપ સ્મારક તરીકે વિકસાવવા માટે જાહેરાત કરી હતી તેમ છતાં કોઈપણ પ્રકારની જાળવણી થઇ નથી.
![કચ્છના ઐતિહાસિક સ્થળો આજે ઝંખે છે જાળવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/gj-kutch-04-historical-places-video-story-7209751_12122024122221_1212f_1733986341_780.jpg)
ઐતિહાસિક સ્થળોની જાળવણી થઈ નથી: ઉપરાંત ઐતિહાસિક રાજાશાહી સમયમાં નિર્માણ થયેલા પાટવાડી નાકા નજીક ફતેહ મામદનો ખોરડો આવેલો છે. કચ્છના મહારાવ લખપતજી શાસનકાળ દરમિયાન એટલે કે અંદાજીત 1750ના સમયમાં દિવાનને રહેવા માટે ખોરડો બંધાવવામાં આવ્યો હતો. જે આજે જાળવણીના અભાવે ભૂતિયા મહેલ જેવો થઈ ગયો છે. તો પુરાતત્વ વિભાગ દ્વારા પણ ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થળોની જાળવણી કરવામાં આવી રહી નથી.
![ભુજમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/gj-kutch-04-historical-places-video-story-7209751_12122024122221_1212f_1733986341_200.jpg)
છતરડી: ભુજના હૃદય સમાં હમીરસર તળાવ પાસે આવેલી છતરડી સાથે કચ્છના મહારાવની યાદો જોડાયેલી છે. કચ્છ પ્રદેશ પર 18 રાજવીઓએ રાજ કર્યું હતું. જેમાં 18 મહારાવ પૈકી 16 મહારાવની છતરડીમાં સમાધિ આવેલી છે. દર વર્ષે છતરડીને જોવા માટે લાખો પ્રવાસીઓ આવે છે. ત્યારે હેરિટેજ સમાન છતરડીની જાળવણી કરવામાં વિભાગ સદંતર નિષ્ફળ ગયું છે.
![કચ્છના ઐતિહાસિક સ્થળો આજે ઝંખે છે જાળવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/gj-kutch-04-historical-places-video-story-7209751_12122024122221_1212f_1733986341_887.jpg)
જૂની કોર્ટ: ભુજમાં આવેલ દેશદેવીમાં આશાપુરાના મંદિર નજીક આવેલી ઇમારત આઝાદી પહેલાં રાજાના દીવાનનું નિવાસસ્થાન હતું. નોંધનીય છે કે, અહીં યુવાનોના પ્રણેતા સ્વામી વિવેકાનંદ જ્યારે કચ્છના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેઓએ પણ અહીં રોકાણ કર્યું હતું. આઝાદી બાદ રાજાશાહી યુગનો અંત આવતા આ ઇમારતને જિલ્લા અદાલત તરીકે વપરાશ કરવામાં આવતું હતું, જેને આજે જૂની કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2001ના ભૂકંપમાં આ ઇમારતની હાલત અત્યંત દયનીય બની હતી. પરિણામે કોર્ટને અન્ય જગ્યા પર સ્થળાંતર કરી તે ઇમારતને તેમની તેમ રહેવા દેવામાં આવી હતી. આજે આ જૂની કોર્ટની ઇમારતની દુર્દશા જોઈ કોઈ વ્યક્તિને વિચાર આવવું અશક્ય છે કે, ઇતિહાસમાં આ જગ્યા પર સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવ રહી ચૂક્યા છે.
![ભુજમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/gj-kutch-04-historical-places-video-story-7209751_12122024122221_1212f_1733986341_1028.jpg)
નાનીબા સંસ્કૃત પાઠશાળા: ભુજના પાટવાળી નાકા નજીક આવેલી ઇમારત રાજાશાહી સમયની કચ્છની પ્રથમ પાઠશાળા હતી. તે સમયના કચ્છના મહારાણી નાનીબાના નામ પર આ પાઠશાળા શરૂ કરવામાં આવી હતી જ્યાં ખાસ સંસ્કૃતનું અભ્યાસ કરાવવામાં આવતું હતું. આઝાદીની ચળવળ સમયે આ કચ્છના પ્રવાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને મહાદેવ દેસાઈ ઓન આ સ્થળે પર રોકાયા હતા. ભુજના અન્ય ઐતિહાસિક સ્મારકોની સરખામણીએ આ સ્થળની હાલત ઘણી સારી હોતાં હાલમાં અહીં ACB ના પોલીસ ઇન્સ્પેકટરની કચેરી કાર્યરત છે.
![ભુજમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/gj-kutch-04-historical-places-video-story-7209751_12122024122221_1212f_1733986341_916.jpg)
જમાદાર ફતેહમામદનો ખોરડો: રાજાશાહી સમયના કચ્છના સેનાપતિ જમાદાર ફતેહમામદનું નિવાસસ્થાન એટલે કે ફતેહમામદનો ખોરડો. જમાદાર ફતેહમામદને એક જાંબાઝ સેનાપતિ અને વહીવટદાર તરીકે લોકો આજે પણ યાદ કરે છે. આ ઐતિહાસીક સ્થળની હાલત ખુબ જર્જરિત છે. આ જગ્યાની દયનીય હાલત જોઈને કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા પણ રાજ્યના પુરાતત્વ વિભાગને આ સ્થળની જાળવણી કરવા પત્ર લખવામાં આવ્યું હતું, પરંતુ આજે ફરી અહીં બાવળિયાનો સામ્રાજ્ય છવાઈ ગયો છે તેમજ અંદર જવા માટેનો ગેટ પણ બંધ કરી નાખવામાં આવ્યો છે.
![કચ્છના ઐતિહાસિક સ્થળો આજે ઝંખે છે જાળવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/gj-kutch-04-historical-places-video-story-7209751_12122024122221_1212f_1733986341_797.jpg)
રામકુંડ: ભુજના હમીરસર તળાવ પાસે આવેલ રામકુંડ એક ખાસ પ્રકારનો જળસ્રોત છે કે જે 300 વર્ષથી વધુ પ્રાચીન હોવાનું ઈતિહાસકાર જણાવે છે. આ કુંડની ચારેય તરફ દીવાલોમાં દીવા રાખવા માટે ગોખલાઓ ઘડેલા છે જેમાં દીવા મૂકતા સમગ્ર કુંડ રોશનીથી ઝળહળી ઉઠે છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ રામકુંડની મુલાકાતે આવ્યા હતા. તો હાલમાં રામકુંડની જાળવણીના અભાવે ઇતિહાસકારો પણ પુરાતત્વ વિભાગ દ્વારા તેની નિયમિતપણે જાળવણી થાય તેવી માંગ કરી રહ્યા છે. લોકોની આસ્થા અને ઇતિહાસના આ વારસા સમાં પ્રતીકને સાચવવા સરકાર પણ યોગ્ય પ્રયાસ કરે તે જરૂરી બન્યું છે. વરસાદ બાદ અહીં લીલવાળું ગંદુ પાણી ભરાયેલું પડ્યું છે જેની દુર્ગંધ પણ ખૂબ આવે છે.
![કચ્છના ઐતિહાસિક સ્થળો આજે ઝંખે છે જાળવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/gj-kutch-04-historical-places-video-story-7209751_12122024122221_1212f_1733986341_888.jpg)
ઐતિહાસિક વારસાને જીવંત રાખી શકાય: પ્રવાસીઓ પણ ઓનલાઇન ભુજમાં ફરવાલાયક સ્થળોનું લીસ્ટ મેળવીને અહીં ફરવા આવે છે પરંતુ અહીંના ઐતિહાસિક સ્થળોની દુર્દશા જોઈને તેઓ એક નકારાત્મક છાપ લઈને જાય છે. કચ્છના પ્રવાસનમાં માત્ર સફેદ રણ જ ખ્યાતનામ છે તેવું નથી, પરંતુ રાજાશાહી સમયના અનેક ઐતિહાસિક સ્થળો પણ એટલું જ મહત્વ ધરાવે છે. પરંતુ તેની જાળવણીના અભાવના કારણે આજે તેની મુલાકાત લેવાનું લોકો ટાળી રહ્યા છે. આમ તો કચ્છ પ્રવાસન સ્થળ તરીકે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પરંતુ ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થાપત્યોની યોગ્ય જાળવણી કરવામાં આવે તો આ ઐતિહાસિક વારસાને જીવંત રાખી શકાય તેમ છે.
આ પણ વાંચો: