મહી નદીમાં ન્હાવા જતા વડોદરાના બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો (ETV Bharat Reporter) વડોદરા :વહીવટી તંત્ર દ્વારા વડોદરા જિલ્લામાં આવતા 20 થી વધુ જળાશયો તથા તે સંબંધિત સ્થળોએ ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં પણ કેટલાક લોકો ન્હાવા પડે છે અને કમનસીબ લોકો ડૂબીને જીવ ગુમાવે છે. આવો જ એક બનાવ સાવલી તાલુકામાં બનતા હવે તેની અમલવારી સામે કેટલાક સવાલ ઉઠવા પામ્યા છે.
નદીમાં ન્હાવા જતા મળ્યું મોત : આ અંગે મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ગોઠડા ગામમાં સગાઈ પ્રસંગે આવેલા બે લોકો નજીકમાં આવેલ મહીસાગર નદીમાં ન્હાવા ગયા હતા. જ્યાં નદીમાં વધુ ઊંડાઈમાં પહોંચી જતા પ્રથમ મહિલાનો પગ લપસતા તે નદીમાં ડૂબ્યા હતા. બાદમાં તેમને બચાવવા ગયેલા અન્ય પરિજન પણ ડૂબવા લાગ્યા હતા.
બે મૃતદેહને બહાર કાઢ્યા :સ્થાનિક ગ્રામજનોએ બંનેને ડૂબતા જોઈને બચાવવા માટે વહેતા પાણીમાં તરવૈયાઓ ફુદી પડ્યા હતા. જોકે, તરવૈયાઓ તેઓને બચાવે તે પહેલા જ ડૂબી જવાથી તેઓનું મોત નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ વિક્રમસિંહ ચૌહાણના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે સુગરાબેન ગરાસિયાના મૃતદેહને શોધી કાઢવા માટે NDRF ટીમની મદદ લેવામાં આવી હતી. જેમાં મોડે મોડે સફળતા મળી હતી.
ન્હાવા પર હતો પ્રતિબંધ :પ્રાથમિક માહિતી પ્રમાણે બંને મૃતક વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ગોઠડા ગામે સગાઈના પ્રસંગે આવ્યો હતો. ત્યાંથી તેઓ લાંછનપુર ખાતે મહિસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા. જોકે ત્યાં નદીમાં પર્યટકોને ન્હાવા ઉપર પ્રતિબંધ હોવાને કારણે તેઓએ અન્ય રસ્તો શોધીને નજીકમાં અમરાપુરા ગામે જઈને નદીમાં આવી પહોંચ્યા હતા.
શુભ પ્રસંગ માતમમાં ફેરવાયો :વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અમરાપુરા ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં ગોઠડા ગામે સગાઈના શુભ પ્રસંગ માટે આવેલા વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ ચૌહાણ તેમજ સુગરાબેન ગરાસીયા મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા. તે સમય દરમિયાન તેઓ નદીમાં ડૂબી જવાની ઘટના બની હતી. જેને લઇને આ શુભ પ્રસંગ શોકમાં ફેરવાયો હતો.
- વડોદરાના દિવેર ગામ નજીક નર્મદા નદીમાં નહાવા પડતા 2 યુવાનો ડૂબ્યા
- મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા ગયેલા બે સગીર અને એક યુવાન ડૂબ્યા