નડિયાદ: નડિયાદ શહેરની વચોવચ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ સ્ટેશન ધમધમતું ઝડપાયું છે. જ્યાં તમામ નિયમોને નેવે મુકી એલપીજીનો ગેરકાયદેસર વેપાર ચાલતો હતો. પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરી સમગ્ર ગોરખ ધંધો ઝડપી પાડવામાં આવ્યો છે. 90 જેટલા ગેસ સિલિન્ડર તેમજ મશીનરી સહિતની સામગ્રી જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગેરકાયદેસર ચાલતો ગેસ રિફિલિંગનો ધંધો: અનેક લોકોના જીવને જોખમમાં મુકી શહેરની નવરંગ સોસાયટીમાં આ ગેસ રિફિલિંગ સ્ટેશન ચાલી રહ્યું હતુ. સોસાયટીમાં અંદાજે 500 વ્યક્તિઓની વસ્તી છે. જેને લઈ આખી સોસાયટી જાણે બારૂદની વચ્ચે હતી. ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકવાની પુરેપુરી શક્યતા રહેલી હતી. અહી કોમર્શિયલ અને ઘરેલુ ગેસ એક સાથે ભરાતો હતો. એક કિલોથી લઈને પંદર કિલો સુધીનો ગેસ રિફિલિંગ કરવામાં આવતો હતો. ઉપરાંત બોટલમાં 200 કે 300 રુપિયાનો છુટક ગેસ પણ ભરી આપવામાં આવતો હતો.
કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ: પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન આ ગોરખ ધંધો ઝડપાતા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઈ જીલ્લા પુરવઠા અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો હતો. જ્યાં આ ગેરકાયદે ગેસનો વેપાર કરનાર ગિરીશ પટેલ ઉર્ફે કિરીટ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 90 સિલિન્ડર તેમજ મશીનરી સહિતની સામગ્રી જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: