ગુજરાત

gujarat

ETV Bharat / state

'પાણી પર ખેતી', તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો કરે છે નદીના ઊંડા પાણીમાં ખેતી

તાપી નદીના કિનારે વસતા આદિવાસી ખેડૂતો પોતાની કોઠાસૂઝથી નદીના ઊંડા પાણીમાં જુવાર, શેરડી સહિત અન્ય ઘાસ પાકની સફળ ખેતી કરી વર્ષે સારી આવક મેળવે છે.

તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો કરે છે નદીના ઊંડા પાણીમાં ખેતી
તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો કરે છે નદીના ઊંડા પાણીમાં ખેતી (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 24 hours ago

તાપી: જિલ્લાની તાપી નદીના કિનારે વસતા કેટલાક આદિવાસી ખેડૂતો પોતાની કોઠાસૂઝથી નદીના ઊંડા પાણીમાં જુવાર, શેરડી સહિત અન્ય ઘાસ પાકની સફળ ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે. તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતોની આ કોઠાસૂઝ અન્ય કેચમેન્ટ વિસ્તારના ખેડૂતો પણ અપનાવે તો તેમની આવકમાં ચોક્કસ વૃદ્ધિ થાય તેમ છે.

તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ખેતી: આપણી માન્યતા પ્રમાણે ખેતરમાં પાણી ભરાઇ જાય તો તે જમીનમાં ડાંગર સિવાય કોઇ પાક થઇ ન શકે, પરંતુ તાપી જિલ્લામાં ઉકાઈ ડેમ અને તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ખાસ કરીને ઉચ્છલ, નિઝર અને કુકરમુન્ડા તાલુકામાં થતી જુવાર, શેરડી અને અન્ય ઘાસ પાકોની ખેતી જોઈને કદાચ આપ અચરજ પામી જશો. વાવણી બાદ વરસાદ પડે તેમ આ કેચમેન્ટ વિસ્તારમાં ધીરે ધીરે પાણીનું સ્તર વધે છે અને તેમ છતાં ઓછા ખર્ચે આદિવાસી ખેડૂતો જુવાર, શેરડી અને ઘાસ જેવા પાકોની સફળ ખેતી કરી શકે છે. નવાઈની વાત તો એ છે કે, ખેડૂતો હોડીમાં બેસીને જુવારનાં કણસલા કાપવા જાય છે અને તેમાંથી સારી આવક મેળવે છે.

તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો કરે છે નદીના ઊંડા પાણીમાં ખેતી (Etv Bharat gujarat)

ભરાયેલા પાણીમાં સફળ ખેતી: ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે, આ વિસ્તાર મુખ્યત્વે ખેતી પર નભતો વિસ્તાર છે. આ વિસ્તારમાં આશરે 3 થી 4 મહિના ડેમમાં પાણી ભરાયેલું રહે છે. આ ભરાયેલા પાણીમાં કેવી રીતે સફળ ખેતી કરવી તેનો રસ્તો આ ખેડૂતોએ શોધી કાઢ્યો છે. નદી કાંઠાના વિસ્તારમાં જૂન- જુલાઇ મહિના દરમિયાન જુવાર, ઘાસ અને શેરડીની ખેતી થાય છે. ત્યાર બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આ ખેતરોમાં પાણી ભરાવવા લાગે છે. જે પાણી લગભગ 6થી 8 ફૂટ સુધી સતત 2 થી 3 મહિના સુધી ભરાઇ રહે છે.

તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો કરે છે નદીના ઊંડા પાણીમાં ખેતી (Etv Bharat gujarat)
તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો કરે છે નદીના ઊંડા પાણીમાં ખેતી (Etv Bharat gujarat)
તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો કરે છે નદીના ઊંડા પાણીમાં ખેતી (Etv Bharat gujarat)

હોડીમાં બેસી ખેડૂતો લણણી કરે છે: વધારે પાણી ભરાઇ જવાથી જુવાર, ઘાસ કે શેરડીનો પાક ખરાબ થતો નથી પણ તેમાં થોડી ઘણી માઠી અસર ચોક્કસ પહોંચે છે. પરંતુ તેમાં નિંદામણ કે દવા ખાતર નાખવાની જરૂર ન પડતા ખેડૂતોને આર્થિક નુકશાન થતું નથી અને ખેડૂતો જુવારના તૈયાર થયેલા પાકનું હોડીમાં બેસીને લણણી કરે છે. બીજું કે, ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પાણી ઓસર્યા બાદ જુવારનો પાક લેતા ખેડૂતો અન્ય પાક લઇને વધારાની આવક પણ મેળવે છે. 'આમ કે આમ ગુટલીયોં કે દામ' કહેવતને તાપી જિલ્લાની તાપી નદી કાંઠે વસતા ખેડૂતોએ સાબિત કરી બતાવ્યું છે. તાપી જિલ્લાના ખેડૂતો પાસેથી પ્રેરણા લઇને દેશના અન્ય ડેમ્સના કેચમેન્ટ વિસ્તારમાં ખેડૂતો આ પદ્ધતિનો ઉપયોગ કરીને સારી આવક મેળવી શકે છે.

આ પણ વાંચો:

  1. બરડામાં 'કેસર' બારે માસ, શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પોરબંદરમાં કેસર કેરીની આવક
  2. અમરેલી પંથકના આ ખેડૂતને તકમરીયાની ખેતીમાં મળી તેજી, ઓછા ખર્ચે અધધ ફાયદો

ABOUT THE AUTHOR

...view details