ગાંધીનગર: ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. ગાંધીનગર અને ચંડીગઢએ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન 16 માર્ચ 1960ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ થઇ હતી. ઇ.સ. 1971થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.
ગુજરાતના પાટનગર ગાંધીનગરની રચના ચંદીગઢ બાદ પ્લાન્ટ શહેર તરીકે કરવામાં આવી છે. ગાંધીનગરે હરિયાળીની દૃષ્ટિએ એક ખાસ ઓળખ ઊભી કરી છે. ટૂંકા ગાળામાં આ શહેરે એટલું બધું હાંસલ કર્યું છે કે આજે દરેકને તેના પર ગર્વ છે. ગાંધીનગરની સ્થાપનાની વાત કરીએઓ તો 2 ઓગસ્ટ 1965ના રોજ શહેરની આધારશિલા મુકવામાં આવી હતી. ગાંધીનગરની સ્થાપના માટે જ્યાં પહેલી ઈંટ મુકાઈ હતી તે મકાન આજે ગુજરાત વિદ્યુત બોર્ડના ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાય છે.
1965માં બાંધકામ શરૂ થયા બાદ 1 મે, 1970ના રોજ અમદાવાદથી ગાંધીનગરમાં સરકારી ઓફિસો ખસેડવામાં આવી અને પ્રથમ વસાહત પણ શરૂ કરવામાં આવી. પહેલા જ દિવસે પાટનગરમાં 12 હજાર લોકોને સરકારી આવાસ ફાળવવામાં આવ્યા હતા, જેમાં 95 ટકા તો માત્ર સરકારી કર્મચારીઓ જ હતા. શરૂઆતમાં કર્મચારીઓને અહીં રહેવું ગમ્યું નહીં, કારણ કે અહીંયા શહેર જેવી સુવિધાઓ નહોતી. બાદમાં અહીં વસવાટ માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. લોકોને તમામ સુવિધા મળી રહે એ માટે દવાખાનું, પ્રાથમિક શાળા, પોલીસ મથક પણ ઊભા કરાયા હતા.
1971માં તત્કાલીન મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઇના હસ્તે માત્ર એક નાળિયેર વધેરીને સચિવાલયનું કામકાજ શરૂ કરી દેવાયું હતું. શરૂઆતમાં માત્ર સાડા ત્રણ સેક્ટર જ બંધાયેલા હતા. સેક્ટર-16, 17 અને 22નું બાંધકામ થયું હતું. જ્યારે સેક્ટર-23 અડધું બંધાયેલું હતું. માત્ર પાંચ વર્ષમાં જ નવા પાટનગર શરૂ થયું તેનો યશ તત્કાલીન બાંધકામ મંત્રી બાબુભાઇ જશભાઇ પટેલને જાય છે. બાંધકામ મંત્રી હોવાના કારણે તેમણે શહેરમાં સૌપ્રથમ રહેવા પણ આવ્યા હતા.
ભૂતકાળ પર નજર કરીએ તો 1960માં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે અમદાવાદને પ્રથમ પાટનગર બનાવાયું હતું, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. તેમના મનમાં વિચાર આવ્યો કે નવનિર્મિત ગુજરાતનું પાટનગર આંધ્રપ્રદેશના સિકંદરાબાદ અને પંજાબના ચંદીગઢ જેવું હોવું જોઈએ. કારણ કે બોમ્બે રાજ્યથી અલગ થયા બાદ મહારાષ્ટ્ર તેના પાટનગર તરીકે ‘મુંબઈ’ જેવા સમૃદ્ધ શહેરને વિકસાવી રહ્યું હતું. ગુજરાતની પાટનગરવિકસાવવા માટે ગુજરાતને 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જીવરાજ મહેતાએ તમામ પાસાઓ પર ગુજરાતમાં વિવિધ સ્થળોની તપાસ કરી અને પછી ગાંધીનગરને ગુજરાતના નવા પાટનગર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી ગાંધીનગર રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેરથી 36 કિલોમીટર દૂર આવેલા ગાંધીનગરે છેલ્લા ત્રણ-ચાર દાયકામાં ઘણી પ્રગતિ કરી છે. હવે તે માત્ર પાટનગર નથી પણ શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગાંધીનગરમાં વિધાનસભા તેમજ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીઓના નિવાસસ્થાન અને કાર્યાલય તેમજ સરકારી કચેરીઓ આવેલી છે.