તાપીઃ ભારતને ખો ખો રમતમાં વર્ડ ચેમ્પિયન બનાવવામાં ભારતની ખોખો ટીમનો હિસ્સો રહેલી ઓપીનાનું ભવ્ય સ્વાગત તાપી અને ડાંગની હદમાં કરાયું હતું. મૂળ ડાંગ જિલ્લાની અને તાપી ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં અભ્યાસ કરેલી ઓપીનાનું ભવ્ય સ્વાગત કાર્યક્રમમાં આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહી ખો ખો ચેમ્પિયન ઓપીના ભીલારનું સ્વાગત કરાયું હતું.
ખોખોની રમતમાં વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વગાડનાર ઓપીના ભિલાર ભારતની ટીમનો એક હિસ્સો રહી દેશને વિજય બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી, મૂળ ડાંગ જિલ્લાની અને તાપી જિલ્લા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં ખોખોનો અભ્યાસ કરેલી ઓપીના ભિલાર જ્યારે પોતાના વતન ડાંગ જિલ્લાના બીલીઆંબા પહોંચવાની હતી. તાપી અને ડાંગ જિલ્લાની સરહદે મંત્રી સહિતના મહાનુભવો, ઓપીનાનું પરિવાર, તેના ગામવાસીઓ અને શાળા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરી ડીજે અને ફટાકડાના તાલે નાચતે ગાજતે આશરે 15 કિમી જેટલુ લાંબુ અંતર કાપીને વિજય રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં નાના બાળકો સહિત વયોવૃદ્ધ લોકો જોડાયા હતા. વિજય રેલી દરમ્યાન ઓપીનાએ મીડિયા સમક્ષ આપેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જેમ સરિતા ગાયકવાડને સરકારી નોકરી મળી તેમ તેને પણ યોગ્ય સહાય મળે તેવી અપેક્ષા. જ્યારે આ વેળાએ ઉપસ્થિત મંત્રી કુંવરજી હળપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના અને સરકાર દ્વારા આ મામલે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે.
ઓપીના ભીલારની વાત કરવામાં આવે તો ઓપીનાએ ધોરણ 9 થી કોલેજ સુધીનો અભ્યાસ તાપી જિલ્લા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં રહીને કર્યો હતો. જ્યાં તેને ખોખો રમતની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવતી હતી. ઓપીના જ્યારે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેને સમર કેમ્પ દરમિયાન લીગામેંટની તકલીફ થય હતી અને તેને ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી બાદમાં તેના માટે ખોખો ની રમત માં પાછું આવવું મુશ્કેલ હતું પરંતુ વ્યારા કોલેજના સંજય કોસાડ નામના કોચ દ્વારા ઓપીનાને યોગ્ય માર્ગદર્શન આપી ફિઝીઓમાં મોકલાવી હતી. ત્યાર બાદ ઓપીના રિહબ કરીને ખોખોમાં પછી આવી હતી. મહેનત કરીને ખોખો વર્લ્ડ કપ માટે ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થઈ હતી. જ્યાં તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને ઓપીના આજે લોકો માટે એક પ્રેરણા રૂપ બની છે.
![દીકરી ઓપીનાનું તાપી-ડાંગમાં ભવ્ય સ્વાગત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-tapi-rural-01-opina-bhilar-video-photo-byte-story-10082_08022025154844_0802f_1739009924_371.jpg)
ઓપીના ભીલારે જણાવ્યું હતું કે, મેં ઇન્ડિયાને રિપ્રેસંટ કર્યું તે માટે હું ખુબ જ ખુશ છું અને હું ખુશી વ્યક્ત નથી કરી શકતી. અમે ઇન્ડિયા માટે વર્લ્ડ કપ જીત્યા એટલા માટે હું ખુબ જ ખુશ છું સાથે સરકાર પાસે મને અપેક્ષા છે કે સરિતા ગાયકવાડ જેણે ભારતને મેડલ અપાવ્યો હતો. એમને નોકરી પણ મળી છે માટે સરકાર પાસે મને એટલી અપેક્ષા છે કે મને સહાય કરી શકે.
![દીકરી ઓપીનાનું તાપી-ડાંગમાં ભવ્ય સ્વાગત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-tapi-rural-01-opina-bhilar-video-photo-byte-story-10082_08022025154844_0802f_1739009924_1012.jpg)
ઓપીનાની સરકાર પાસેની અપેક્ષાને લઇને રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતનું અને આદિવાસી સમાજનું ગૌરવ અપાવ્યું છે. તે માટે તેમનો આભાર માનું છું. આજે હું દિલથી કહી શકું કે આદિવાસી સમાજનું એક અમારું રત્ન કહી સકાય એવું આજે ઓપીનાજી છે. એ રત્ન ખૂબ આગળ વધે તેના માટે પણ અમે સતત પ્રયત્નો કરતા રહીશું. એમની જે ઈચ્છા છે તે પરિપૂર્ણ થાય તે માટે એના માટે યોગ્ય સમયે રાજ્ય સરકારમાં જ્યાં રજૂઆત કરવાની હશે ત્યાં અમે રજૂઆત કરીને એમનું સન્માન જળવાય એવી પણ હું તેમને ખાતરી આપું છું.
![ખો-ખોમાં દુનિયામાં દેશનું નામ ચમકાવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-tapi-rural-01-opina-bhilar-video-photo-byte-story-10082_08022025154844_0802f_1739009924_117.jpg)