અમદાવાદ: 1 મે 1960 એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, ઈતિહાસમાં આ દિવસે મહાગુજરાત આંદોલનના કારણે બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગલા પડ્યા અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ભાષાના આધારે અલગ થનારુ ગુજરાત ભારતનું બીજું રાજ્ય હતું.
ઇતિહાસકાર રિઝવાન કાદરીએ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની અસ્મિતા શબ્દ પહેલી વહેલી વખત રણજિતરામ બાબાભાઈ મહેતાએ આપ્યો હતો. જેને કનૈયાલાલ મુનશીએ આગળ ધપાવીને ગુજરાતની અસ્મિતાની આગવી ઓળખ આપી હતી. અસ્મિતામાં ચોક્કસ 'હું પણા'નો ભાવ છે ગુજરાતની ખરી ઓળખ નર્મદે આપી હતી. જય જય ગરવી નામની તેમની અમર રચનામાં તેમણે ભૌગોલિક વિસ્તાર પણ આખો દર્શાવ્યો હતો. પરંતુ તે સમયે ગુજરાત એક પ્રદેશ કે રાજ્ય તરીકે ન હતું, ખરા અર્થમાં જોઈએ તો 1920 માં જ્યારે નાગપુરમાં મહાસભા થયા પછી નક્કી થયું કે આઝાદીના સંગ્રામની અંદર વધારે લોકો જોડાઈ તે માટે જુદી જુદી પ્રાંતિક સમિતિઓ રચવી જોઈએ.
ગુજરાત પ્રાંતિક સમિતિની રચના થયા પછી ગુજરાતની એક અલગ રાજ્યની ભાવના વિકસી હતી. 1921 ના જાન્યુઆરી મહિનામાં ગુજરાત પ્રાંતિક સમિતિના પહેલા પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા અને ગુજરાત પ્રાંતિક સમિતિનું બંધારણ મહાત્મા ગાંધીએ ઘડ્યું હતું. દેશ આગળ વધતો ગયો આઝાદ થયો.
સ્વતંત્રતા પછી 1948માં મહાગુજરાત સંમેલન થયું હતું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરવામાં આવી હતી. આઝાદીના સંગ્રામની અંદર યુવાનોએ જે ભૂમિકા ભજવી હતી. તેવી જ ભૂમિકા ગુજરાત મહાગુજરાત ચળવળની અંદર યુવાનોએ ભજવી હતી. દ્વિભાષી રાજ્યની વાત આવી ત્યારે ગુજરાતના લોકોએ વિરોધ કર્યો અને ખાસ કરીને યુવાનોએ 1942 ના હિંદ છોડો આંદોલનમાં જે પ્રકારે યુવાનોએ જુસ્સો બતાવ્યો હતો તેવો જુસ્સો અમદાવાદના યુવાનોએ બતાવ્યો.