અંબાજીઃઆમ તો અંબાજી વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી દેશી દારૂનું દુષણ ચાલી રહ્યું છે. દારૂના આ દુષણમાં મહિલાઓ પણ બાકાત રહી ન્હોતી, જેને લઇ તંત્રએ કાર્યવાહી કરી અને દારૂ વેચતી મહિલાઓ સામે કેસ કરી તેમની અટકાયતો પણ કરી અને તેમને સમજાવવાનો પણ પ્રયાસ કરાયો અને પરિણામ એ આવ્યું કે, આજે ઘણી મહિલાઓ દારૂનો વેપલો બંધ કરી શાકભાજી વેચીને ગૌરવભેર જીવન જીવવાનું શરૂ કર્યુ છે. જેમાં અંબાજી પોલીસની માનવીય અને સહકારીતાની ભાવનાએ મુખ્ય ભાગ ભજવ્યો છે.
અંબાજી મુખ્ય બજારમાં દારૂના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓ હવે હાઇવે માર્ગ પર શાકભાજી વેચી બની પગભર બની રહી છે, અને ગૌરવભેર જીવન પણ જીવી રહી છે. દારૂના ધંધાને લઇ અંબાજીની ગરિમાને ઠેસ પહોંચી રહી હતી ત્યારે અંબાજી પોલીસ દ્વારા એક અનોખી વિચારધારા બતાવીને આ મહિલાઓને દારૂ વેચાણના દૂષણમાંથી મુક્ત કરાવીને સન્માન ભર્યું જીવન આપવાનો પ્રયત્ન કર્યો છે. અંબાજી પોલીસના સહકારથી આ મહિલાઓએ શાકભાજીનો વ્યવસાય શરૂ કર્યો છે, આમ અંબાજી પોલીસે મદદ અને સહકારની ભાવનાનો ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જેને લઇ અંબાજી સહિત આસપાસના વિસ્તારમાં અંબાજી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે..
'છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં દારૂ વેચીને આ મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા, પોલીસ દ્વારા જ્યારે તેમને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યાં અને જ્યારે તેઓ છૂટીને ફરીથી આવ્યો તો ફરી દારૂનો ધંધો શરૂ કરી દેતા હતાં. જેને લીધે આ ચાલતું જ રહેતું, હતું પરંતુ અમે આનો નિકાલ લાવવાનો એક પ્રયત્ન કર્યો અને આ મહિલાઓને સમજાવી અને તેમને દારૂનો ધંધો બંધ કરાવીને શાકભાજી વેચવાની સલાહ આપી અને કીધું કે જો તમે દારૂ વેચશો તો તમારી કમાણી પોલીસ અને કોર્ટ કચેરીના ધક્કાઓમાં જતી રહેશે જેમાં તમારા પૈસા અને આબરૂ બંનેનું નુકસાન થશે, તેથી જો તમે શાકભાજીનો ધંધો કરશો તો તમને નફો અને આબરૂ બંને મળશે જેને સમજી આ બહેનોએ શાકભાજીના વેપારનો શુભારંભ કર્યો છે. -જી.આર.રબારી, પોલીસ ઇન્સ્પેક્ટર,અંબાજી